જ્વેલરી ખરીદવી વધુ મોંઘીઃ સોનામાં ૫૦૦નો ઉછાળો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય ઈક્વિટી બજારમાં જોવા મળેલા ઘટાડાની અસરે તથા સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણરૂપી માગ વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જોવા મળેલા ઉછાળાના પગલે સ્થાનિક બજારમાં આજે શરૂઆતે સોનામાં ૫૦૦ રૂપિયાથી વધુનો ઉછાળો નોંધાઇ ૨૮,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. આમ જ્વેલરી ખરીદનારાને ખરીદી મોંઘી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૨૦૦ ડોલરની નજીક ૧૧૯૩ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે, જે પાછલાં સાડા સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું છે. પાછલાં એક જ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પાંચ ટકાથી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન સોનાની પાછળ ચાંદીમાં પણ મજબૂત ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે ચાંદીમાં ૧,૦૦૦થી વધુનો ઉછાળો નોંધાઈ ચાંદી ૩૭,૦૦૦ની સપાટીએ જોવા મળી હતી. બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન સહિત વિકસીત દેશોમાં પણ બહાર આવી રહેલા અનિશ્ચિતતાભર્યા ઇકોનોમી ડેટાની અસરે સલામત રોકાણ તરીકે સોનામાં માગ વધી છે અને મહત્ત્વની ૧૨૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીની નજીક ભાવ પહોંચી ગયો છે ત્યારે તેની અસરે સ્થાનિક મોરચે પણ સોના-ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

You might also like