લગ્નની સિઝન પહેલાં સોનાના ભાવ ઘટી શકે

કોલકાતા: આગામી મહિને શરૂ થનારી લગ્નસરાની સિઝન પહેલાં સોનાની કિંમત ઘટવાની આશા છે, જોકે લગ્નસરાની સિઝનમાં સોનાની કિંમતને લઇને બુલિયન ડીલર્સ અને નિષ્ણાતો અલગ અલગ મત ધરાવે છે. કેટલાક બુલિયન ડીલર્સ અને જાણકારોનું કહેવું છે કે ડોલરની તુલનાએ રૂપિયામાં મજબૂતી ટકી રહેશે તો આગામી દિવસોમાં સોનાની કિંમત ત્રણ ટકાથી વધુ ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨૭,૮૦૦ની સપાટીએ જોવા મળશે.

જ્યારે અન્ય કેટલાક ડીલર્સનું કહેવું છે કે આગામી સપ્તાહમાં સોનાની કિંમત વધુ જોવા મળી શકે છે. અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીની ગત સપ્તાહના મધ્યમાં યોજાયેલી બેઠક પૂર્વે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ ત્યાર બાદ તેમાં રિકવરી જોવા મળી હતી.

રિદ્ધિ સિદ્ધિ બુલિયનના મેનેજિંગ ડાયરેક્ટર પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું કે જો રૂપિયો વધુ મજબૂત થશે તો સોનાના ભાવ ગગડીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨૭,૮૦૦ પર આવી શકે છે અને તેના પગલે ગ્રાહકોને લગ્નની મોસમ પહેલાં સસ્તા ભાવે સોનું ખરીદવાની તક મળશે. તેમણે જણાવ્યું હતું કે ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં સોનું અને અન્ય કીમતી ધાતુનું આકર્ષણ ઘટી શકે છે. મુંબઇના ઝવેરી બજારમાં સોનાનો ભાવ આજે પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨૮,૪૯૬ની આસપાસ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો સોનાના ભાવમાં તેજી આવશે તો પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨૯,૦૦૦ની સપાટી પણ જોવા મળશે.
http://sambhaavnews.com/

You might also like