વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ૧,૫૦૦ ડોલરે પહોંચશે

મુંબઇ: જીએફએમએસ-ગોલ્ડ ફિલ્ડ્સ મિનરલ સર્વિસીસ-થોમસન રોઇટર્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે સોનામાં તેજી રહેશે. કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં સોનું ૧૫૦૦ ડોલરની સપાટીએ પહોંચી જઇ શકે છે.

તેની પાછલના મુખ્ય કારણમાં હાલ જોવા મળી રહેલ જિયોપોલિટિકલ ટેન્શન, શેરબજારની સરખામણીએ સોનામાં મળી રહેલું ઊંચું રિટર્ન તથા યુરોપીય સંઘમાં બ્રિટન બહાર નીકળી જવાની વાત જેવી રાજકીય અનિશ્ચિતતાઓ અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકામાં જોવા મળી રહેલા તંગદિલીભર્યા માહોલના પગલે સોનાના ભાવને સપોર્ટ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગઇ કાલે જ ઇરાન પર આર્થિક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે અને તેના કારણે ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે અને ૮૦ ડોલરની નજીક પહોંચવાની તૈયારીમાં છે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૭માં સેન્ટ્રલ બેન્કોએ સોનાના રિઝર્વ સ્ટોકમાં ૩૬૬ ટન વધારો કર્યો છે. એજન્સીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે વર્ષ ૨૦૧૮માં ચીનની સેન્ટ્રલ બેન્ક સોનાની ખરીદી કરશે.

ચીનની ખરીદીથી વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની શુદ્ધ ખરીદીનો આંકડો ૪૦૦ ટનને પાર પહોંચી જશે. વર્ષ ૨૦૧૭માં સોનાનું માઇનિંગ દ્વારા કુલ ઉત્પાદન ૩,૨૪૭ ટનનું રહ્યું હતું, જે ૨૦૧૬ની સરખામણીએ પાંચ ટન ઓછું છે.

You might also like