અખાત્રીજ પૂર્વે સોનામાં જોરદાર ચળકાટઃ ભાવ ૩૨ હજારને પાર

અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો ઊંચે જઇ રહ્યો છે. સાથે સાથે સોનાનાં ભાવનો પારો પણ વધી રહ્યો છે. બુધવારે અખાત્રીજ પૂર્વે ઘરઆંગણે સોનાનાં ભાવ સવોચ્ચ રૂ.૩ર૩પ૦-૩ર૪૦૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળે છે.
શહેરમાં જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જિયો-પોલિટીકલ ટેન્શનનાં કારણે સોનાનાં ભાવમાં મજબૂત સુધારો નોંધાયો છે.

એટલું જ નહીં અખાત્રીજના પગલે હોલસેલર અને સેમી હોલસેલરની ખરીદી વધતાં સોનાનાં ભાવમાં ઉછાળો નોંધાયો છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં સોનાનાં ભાવમાં રૂ.૭૦૦નો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. બુલિયન બજારમાં જણાવ્યા પ્રમાણે ભાવ ૧૩પ૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયા છે.

જ્યારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો છે. જોકે જ્વેલર્સ એસો.ના જણાવ્યા મુજબ ઊંચા ભાવના પગલે આ વખતે અખાત્રીજના દિવસે અપેક્ષા કરતા ઘરાકી નબળી રહેવાની શક્યતા છે.

અમદાવાદ જ્વેલર્સ એસો.ના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ તથા રૂપિયામાં જોવા મળેલા ઘટાડાની અસરથી સોનાના ભાવ સર્વોચ્ચ રૂ. ૩૨,૪૦૦ની સપાટીએ જોવા મળ્યો છે.

વર્ષમાં સોનાનાં ભાવમાં રૂ.ર૮૦૦નો વધારો
વત વર્ષે અખાત્રીજના દિવસે જોવા મળેલા ભાવની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનાં ભાવનો રૂ.ર૮૦૦થી વધુનો ઉછાળો જોવાયો છે. ગત વર્ષે અખાત્રીજના દિવસ ૧૦ ગ્રામ સોનાનાં ભાવ ર૯પ૦૦ની આસપાસ જોવા મળતો હતો. જેમાં ૧૦ ટકાનો વધારો નોંધાઇ ચાલુ વર્ષે સોનાનાં ભાવ રૂ.૩ર૪૦૦ની આસપાસ ભાવ જોવા મળી રહ્યો છે.

You might also like