ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાના ભાવમાં મજબૂત સુધારાની ચાલ

અમદાવાદ: ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોનાના ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. સોનાનો છેલ્લા કેટલાય સમયથી ૩૨,૦૦૦ની ઉપર ભાવ ટકેલો જોવા મળ્યો છે ત્યારે ઊંચા ભાવે રોકાણ કરાયેલું સોનું વેચનારાઓ આગળ આવી રહ્યા છે.

એ જ પ્રમાણે રોકાણરૂપી નવી ખરીદીનો અભાવ જોવા મળ્યો છે. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ ઊંચા ભાવના પગલે ૧૦થી ૧૫ ટકા વધુ સોનું વેચાણ માટે આવ્યું છે. સ્થાનિક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે ઊંચા ભાવનો ફાયદો લેવા માટે રોકાણકારો સોનું વેચવામાં વધુ રસ ધરાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૮૦૦થી ૮૫૦ ટન સોનાની માગ રહે છે, જેમાં ૨૦થી ૩૦ ટકા સોનાની રોકાણરૂપી ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનાના ઊંચા ભાવના કારણે એક બાજુ રોકાણરૂપી ખરીદીમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ રોકાણના સોનાનું વેચાણ વધવા પામ્યું છે.

You might also like