સોનાના ઊંચા ભાવના કારણે જ્વેલરી રિસાઈકલિંગના કારોબારમાં વધારો

અમદાવાદ: સોનાનો ભાવ ૩૦,૦૦૦ની સપાટીની આસપાસ પાછલા કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે. એક બાજુ ઊંચા ભાવ તો બીજી બાજુ સરકારના બદલાયેલા નિયમોના કારણે લોકો નવી સોનાની જ્વેલરી ખરીદવાના બદલે જૂની જ્વેલરી પાછી આપીને તેની સામે નવી જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્વેલરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે કાળાં નાણાં ઉપર ધોંસ વધારતાં તેમાં કાળા નાણાં થકી જ્વેલરીની ખરીદીનો કારોબાર તદ્દન ઠપ થઇ ગયો છે. તો બીજી બાજુ બિલ વગરનો જ્વેલરીનો મોટા પ્રમાણમાં કારોબાર થતો હતો તે પણ બંધ થવાના આરે છે, જેના પગલે ૨૦થી ૩૦ ટકા જ્વેલરી ખરીદનારા ગ્રાહકો જૂની જ્વેલરીની સામે નવી સોનાની જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરે છે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ મોટા ભાગના કારોબારમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તેની અસર જ્વેલરીના વેચાણ પર પણ જોવા મળી હતી, જોકે ત્યાર બાદ રોકડની પ્રવાહિતા વધતાં ફરી જ્વેલરીના કારોબારમાં સુધારો જોવા મળ્યો છે. સાથેસાથે જૂની જ્વેલરીની સામે નવી જ્વેલરીની ખરીદવાના કારોબારમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે નોટબંધીના કારણે પાછલા વર્ષે સોનાની ડિમાન્ડમાં ૨૦ ટકાનો ઘટાડો જોવાયો હતો. ૨૦૧૬માં સોનાની ડિમાન્ડ ૬૭૫ ટન જોવાઇ હતી, જે ૨૦૧૫માં ૮૫૭ ટન હતી. લગ્નસરાની સિઝનમાં એક અંદાજ પ્રમાણે રાજ્યમાં ૧૦૦ ટનથી પણ વધુની ડિમાન્ડ નીકળે છે, પરંતુ આ વખતે તેમાં ઘટાડાના આસાર જોવા મળી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like