સોનાના ભાવમાં એક સામટો 4 હજારનો ઉછાળો, 34000 હજાર એક તોલાનો ભાવ

નવી દિલ્હીઃ 500 અને 1000ની નોટો સરકાર દ્વારા ચલણમાં પાછી ખેંચાવાની અસર સોની બજાર પર પણ જોવા મળી રહી છે. બીન હિસાબી રોક્કડ ધરાવતા લોકોએ ગઇ કાલે રાત્રે મોટા પાયા પર સોનામાં ખરીદી કરવા માટે દોટ મૂકી હતી. ત્યારે મોડી સાંજે સોના અને ચાંદીના ભાવમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે દસ ગ્રામ સોનાના અમદાવાદ બજાર ભાવ 30,900થી ઉછળીને 34000 હજારને આંબી ગયો હતો.

મુંબઇના બજારોમાં સોનાનો દસ ગ્રામ ભાવ વધીને રૂપિયા 33,000થી 34,000ને આંબી ગયા હતા. અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. અમદાવાદના બજારમાં ચાંદીના કિલોદીઠ બંધ ભાવ રૃા. 43,300 હતા તે રૂપિયા 500 અને 1000ની ચલણી નોટ્સ પાછી ખેંચાવાની જાહેરાત પછી રૂપિયા 1000 જેટલા ઊછળી ગયા હતા.

સોના અને ચાંદીના વેચાણમાં મુખ્યત્વે રૂપિયા 500 ને 1000 ની ચલણી નોટ્સનો જ વહેવાર થાય છે. દિવાળી દરમિયાન સોના ચાંદીના જે વેપારો થયા હતા. તેના પેમેન્ટ દિવાળી બાદ જ થવાના હતા. હવે આ તમામ પેમેન્ટો અટકી જવાની સંભાવના રહેલી છે.

અહેવાલ પ્રમાણે નવી ચલણી નોટ્સ દેશની 50 ટકા કરન્સી ચેસ્ટમાં પહોંચી ગઈ છે. દરેક બૅન્કને રૂપિયા 20થી 50 કરોડની 2000ની અને 500ની નવી ચલણી નોટ્સ પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંજોગોમાં નવી ચલણી નોટ્સ ૧૧મીએ બજારમાં આવે તે પછી જ પેમેન્ટ થશે. આ સિવાય રૂપિયા 1000ની ચલણી નોટ્સમાં મોટી રકમના પેમેન્ટ સ્વીકારવા પડશે. બીજી તરફ રૂપિયા 500ની કે 1000ની ચલણી નોટ્સને નિકાલ કરવાની તકલીફ અનુભવનારાઓને રૂપિયા 500ની નોટ્સ લઈને રૂપિયા 450 અને રૂપિયા 1000ની નોટ્સ લઈને રૂપિયા 900 આપનારાઓ બજારમાં ફૂટી નીકળ્યા હતા. આ રીતે બિનહિસાબી નાણું ધરાવનારાઓને નાણું વટાવી આપનારાઓએ નવી નિર્માણ થયેલી સ્થિતિનો મહત્તમ લાભ લેવાની કોશિશ કરી હતી.

You might also like