અખાત્રીજે સોનું ૩૦ હજારને પાર કરશે?

અમદાવાદ: આગામી ૯મી મેએ અખાત્રીજ છે. અખાત્રીજે સોનું અને ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાના કારણે આ દિવસે સોના-ચાંદીની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે ત્યારે સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજને હજુ બે સપ્તાહની વાર છે ત્યારે તે પહેલાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૩૦,૦૦૦ની સપાટીને પાર કરે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં રૂપિયાની નરમાઇએ સોના-ચાંદીના ભાવને સપોર્ટ કર્યો છે, જ્યારે ચાંદી પણ સ્થાનિક બજારમાં આગામી અખાત્રીજ પૂર્વે રૂ. ૪૦,૦૦૦ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે હાલ સ્થાનિક બજારમાં સોનું ૨૯,૭૫૦ની સપાટીએ જોવા મળી રહ્યું છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં હડતાળના પગલે વેપારીઓને મોટું આર્થિક નુકસાન ગયું છે ત્યારે આગામી અખાત્રીજના દિવસે કારોબાર સરપ્લસ કરવા વેપારીઓ અત્યારથી ગ્રાહકો આકર્ષાય તેવી લોભામણી સ્કીમો મૂકવાની તૈયારીમાં લાગી ગયા છે. તો બીજી બાજુ વેપારીઓ પણ લગ્નસરાની સિઝનની ઘરાકી જોવાય તેવું માની રહ્યા છે.

You might also like