એક સપ્તાહમાં સોનામાં રૂ. ૪૫૦નો ઉછાળો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાના પગલે સોનામાં ફરી એક વખત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પાંચ મહિનાની ઊંચી સપાટીએ એટલે કે ૧૨૬૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે, જોકે સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયાની મજબૂતાઇની અસરથી સોનાના ભાવમાં કોઇ મોટો ઉછાળો જોવાયો નથી, જોકે ટેક્િનકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં સોનાનો આજે શરૂઆતે ૨૯,૬૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદી ૪૨,૪૦૦ની સપાટીએ જોવા મળી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં સોનામાં ખાસ કોઇ મોટા સુધારાની ચાલ જોવા મળી નહોતી, જોકે અમેરિકાની નીતિ, બ્રેક્ઝિટનો મુદ્દો તથા ડોલર ઇન્ડેક્સની ચાલના પગલે સોનામાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં પણ રોકાણરૂપી સોનાની માગ સહિત જ્વેલરીની માગમાં પણ ધીમો પણ મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

આ અંગે માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન ચોક્સીના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવ પ્રેશરમાં જોવા મળ્યા છે. રૂપિયાની મજબૂતાઇની અસરથી ભાવમાં ખાસ કોઇ મોટો સુધારો નોંધાયો નથી. આ સંજોગોમાં સોનાની માગ વધી છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં પાછલા એક સપ્તાહમાં સોનામાં રૂ. ૪૫૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાનો ૨૯,૬૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ પ્રતિકિલોએ રૂ. ૪૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ જે રોકડ ક્રાઈસિસ જોવા મળી હતી તે માર્ચ માસ બાદ હળવી થતાં તેની પણ અસર જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like