બજેટ પૂર્વે સોનાના ભાવ ૨૯,૦૦૦ની નીચે

અમદાવાદ: સ્થાનિક બજારમાં બજેટ પૂર્વે સોનાના ભાવ ૨૫૦ રૂપિયા ઘટીને ૨૮,૯૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે વૈશ્વિક બુલિયન બજારમાં એપ્રિલ ડિલિવરી વાયદામાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે સ્થાનિક બજારમાં ભાવ તૂટ્યા છે.

સોમવારે સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે આયાત ડ્યૂટીમાં ઘટાડો થવા અંગેની અટકળો વહેતી થઇ રહી છે તો બીજી બાજુ ગઇ કાલે રજૂ કરેલા આર્થિક સર્વે રિપોર્ટમાં સોનાની જ્વેલરી ઉપરના ઉત્પાદનમાં ડ્યૂટીની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે, જે બે ટકા નાખવામાં આવી શકે છે. આમ, બજેટ પૂર્વે શંકા-કુશંકા વચ્ચે આજે સોનાના ભાવ તૂટ્યા છે.

આયાત ડ્યૂટીમાં એક ટકાનો ઘટાડો કરાય તો ભાવ રૂ. ૩૦૦ જેટલો ઘટે
સોનાની આયાત ડ્યૂટી ૧૦ ટકાના ઊંચા દરે છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આયાત ડ્યૂટીમાં એક ટકાનો ઘટાડો કરાય તો સોનાના ભાવમાં ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો વધુ ઘટાડો જોવાઇ શકે છે.

You might also like