સ્થાનિક બજારમાં સપ્તાહમાં સોનામાં રૂ. ૮૦૦નો ઘટાડો

અમદાવાદ: માત્ર એક જ સપ્તાહમાં સ્થાનિક બજારમાં સોનામાં રૂ. એક હજારથી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. હાલ સ્થાનિક બજારમાં સોનું ૨૯,૪૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળી રહેલા ઘટાડાના પગલે તથા રૂપિયાના સતત સુધારાની ચાલની અસરથી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. એ જ પ્રમાણે એક જ સપ્તાહમાં ચાંદીમાં પણ પ્રતિકિલોએ રૂ. એક હજારથી વધુનો ઘટાડો નોંધાઇને આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદી ૪૨,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. સ્થાનિક જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તેજ છે. આવા સંજોગોમાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે જ સોના અને ચાંદીમાં વૈશ્વિક બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

જ્વેલર્સના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હોળાષ્ટકના સમયગાળામાં શુભ ખરીદીનો અભાવ જોવા મળતો હોય છે અને તેની અસર સોના-ચાંદી બજારમાં પણ જોવાઇ છે. તેના કારણે ભાવ પ્રેશરમાં હોવાનું જણાય છે. આ અંગે માણેકચોક ચોક્સ મહાજનના પૂર્વ પ્રેસિડેન્ટ હર્ષવદન ચોક્સીના જણાવ્યા પ્રમાણે પાછલા એક જ સપ્તાહમાં સોનામાં રૂ. ૮૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઘટાડાની ચાલની અસરથી સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી છે. જ્વેલરી ખરીદનારાઓ માટે સોનાના ભાવમાં ઘટાડાના સમાચાર લાભકારક બનશે.
http://sambhaavnews.com/

You might also like