સોનું એક મહિનાની ઊંચાઈએઃ ચાંદીમાં સુધારો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૨૫૦નો ઉછાળો નોંધાઇ ૨૯,૫૦૦ની ઉપર ૨૯,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.  એ જ પ્રમાણે ચાંદીમાં રૂ. ૨૦૦નો સુધારો નોંધાઇને ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ડોલર સામે રૂપિયાની નરમાઇ તથા વૈશ્વિક બજારમાં ભાવ તૂટતાં સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં સુધારો નોંધાયો હતો.

વૈશ્વિક બજારમાં સલામત રોકાણ તરીકે સોનાની માગમાં વધારો જોવાયો છે. જૂન મહિનામાં સોનાની માગમાં વૈશ્વિક બજારમાં જોવાયેલા સુધારાના પગલે ભાવમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો છે. એ જ પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સોનામાં ૨૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

આવતી કાલથી શરૂ થઇ રહેલી ફેડરલ રિઝર્વની બેઠક તથા આગામી ૨૩ જૂને બ્રિટન યુરો ઝોનમાં રહેશે કે નહીં તે અંગે થનાર જનમત સંગ્રહ પૂર્વે સોનામાં લેવાલીએ સુધારો જોવાયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા એક જ સપ્તાહમાં ચાંદીમાં ૧૪૦૦થી વધુનો પ્રતિકિલોએ ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. સ્થાનિક બજારમાં પણ ઘટાડે ચાંદીમા ઊંચી ખરીદી નોંધાતી જોવા મળી હતી. ઇક્વિટી બજારમાં જોવા મળેલા અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે સોના અને ચાંદીમાં ખરીદી નોંધાઇ હતી.

You might also like