ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર મનોજકુમારે દહેજમાં ફક્ત એક મુઠ્ઠી ચોખા લીધા

કેથલઃ ઓલિમ્પિયન અને ગોલ્ડ મેડલિસ્ટ બોક્સર મનોજકુમાર તાજેતરમાં લગ્નના બંધને બંધાઈ ગયો. તેણે કુરુક્ષેત્રના મથાના ગામની નેહાને પોતાની જીવનસાથી બનાવી. મનોજે રમતની જેમ પોતાનાં લગ્નમાં પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. તેણે લગ્નમાં એવું દહેજ લીધું, જેની સમગ્ર ક્ષેત્રમાં ચર્ચા થઈ રહી છે. મનોજ અને તેના પરિવારે દહેજના રૂપમાં ફક્ત એક મુઠ્ઠી ચોખા લીધા.

મનોજની જાનમાં દેશના રમતજગતની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી, જેમાં અર્જુન એવોર્ડ વિજેતા નીરજ ચોપરા, બોક્સર જિતેન્દ્ર, એશિયન ગેમ્સ મેડલ વિજેતા બોક્સર અમિત પંઘાલ, બોક્સર ધીરજ, ઓલિમ્પિયન સુમિત સાંગવાન, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જયદેવ બિષ્ટ, આંતરરાષ્ટ્રીય બોક્સર ગૌરવ બિધુડી વગેરે સામેલ હતા.

જાન જ્યારે લગ્નસ્થળે પહોંચી ત્યારે રમતજગતની તમામ હસ્તીઓએ ડાન્સ કરીને જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન મનોજ પણ ખુદને રોકી શક્યો નહોતો અને તેણે પણ ઠુમકા લગાવ્યા હતા. લગ્ન પછી રિસેપ્શન પીપલી રોડ સ્થિત કિંગ્સ્ટલ પેલેસ ખાતે યોજાયું હતું.

લગ્નમાં અનોખા દહેજ અંગે પૂછવામાં આવતા મનોજના મોટા ભાઈ રાજેશકુમારે કહ્યું, ”આપણી દીકરીઓને આપણે આ દૂષણથી બચાવવી જોઈશે. દહેજ જેવી કુપ્રથાને સમાજમાંથી ખતમ કરવી પડશે. દેશના લાખો યુવાનો મનોજને ફોલો કરે છે. અમે વિચાર્યું કે અમે સમાજમાં ફેલાયેલા કુરિવાજોને મિટાવવા માટે પહેલ કરીશું તો જ અન્યને સકારાત્મક સંદેશ મળશે. આથી જ અમે દહેજમાં ફક્ત એક મુઠ્ઠી ચોખા લેવાનો નિર્ણય કર્યો.”

ઉલ્લેખનીય છે કે કુરુક્ષેત્ર-યમુનાનગર હાઈવે પર મથાના ગામ આવેલું છે. ગત ૧૬ સપ્ટેમ્બરે મનોજકુમાર અને નેહાની સગાઈ કરવામાં આવી હતી. નેહાના પિતા પૃથ્વીસિંહ કરનારની શુગરની મિલમાંથી નિવૃત્ત થયા છે.

મનોજ એક સ્ટાર બોક્સર છે. તેણે ૨૦૧૦માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૮ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં મનોજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ૨૦૦૭માં મંગોલિયામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૩માં જોર્ડનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ, ૨૦૧૬ની સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૪માં ભારત સરકારે મનોજને અર્જુન એવોર્ડથી નવાજ્યો હતો.

You might also like