ગોલ્ડ જીતનારો ઓલિમ્પિયન ફૂટપાથ પર નકલી સોનાનાં ઘરેણાં વેચવા મજબૂર

નવી દિલ્હીઃ જે ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હોય, દેશનું ગૌરવ વધાર્યું હોય, પરંતુ સ્પોર્ટ્સ ફેડરેશનની અવગણાના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે તેની પાસે ટ્રેનિંગ માટે નાણાં નથી અને પેટિયું ર‍ળવા માટે ફૂટપાથ પર રેંકડી લગાવવી પડે છે. આ ખેલાડીનો ગુનો એ છે કે ગરીબ પરિવારમાં જન્મ્યો હોવા છતાં તેણે આઇસ સ્કેટિંગ જેવી મોંઘી રમત રમવાનું સપનું જોયું. આ સંઘર્ષગાથા છે દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રહેતા રાજકુમાર તિવારીની, જેના કારણે ભારતે ૨૦૧૩માં પહેલી વખત સાઉથ કોરિયામાં યોજાયેલી સ્પેશિયલ ઓ‌િલમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં માનસિક રીતે થોડા અક્ષમ હોય તેવા ખેલાડીઓ ભાગ લે છે.

એ દિવસોને યાદ કરતાં રાજકુમાર કહે છે, ”મેં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે ઘણી શાબાશી મળી હતી, પરંતુ બધું થોડા દિવસો માટે જ હતું. કેટલાક લોકોએ ટેકો આપ્યો, પરંતુ બાદમાં બધું જ બદલાઈ ગયું. ક્યારેક તો મારી પાસે સ્કેટ પણ નથી હોતાં, કોસ્ચ્યુમ પણ નથી હોતો. મારો કોઈ કોરિયોગ્રાફર પણ નથી.”

આમ છતાં રાજકુમાર હિંમત હાર્યો નથી. નાણાંની તંગી તેના રસ્તામાં બાધા જરૂર બની છે. તેનું સપનું ૨૦૧૮માં યોજાનાર ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું છે. આ માટે તેને તાલીમ અને કોચની જરૂર છે. વળી, અમેરિકા પણ જવું પડશે. રાજકુમારને ઓછામાં ઓછી અઢી વર્ષ સુધી ટ્રેનિંગની જરૂર છે, જેનો એક વર્ષનો ખર્ચ ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયા જેટલો છે. આ માટે રાજકુમારને કોઈ પ્રકારનો સપોર્ટ નથી. તેનો કોઈ કોચ પણ નથી.

ગોલ્ડ જીતનારો રાજકુમાર રોજ સવારે જૂની દિલ્હીના સદર બજારમાં રેંકડી લગાવે છે, જ્યાં તે નકલી સોનાનાં ઘરેણાં, જેમ કે કાનની બુટ્ટી વગેરે વેચે છે. તેના પપ્પા તેમજ ભાઈ પણ આ જ કામ કરે છે. આ રેંકડીને કારણે મહિનાની કુલ કમાણી અંદાજે ૧૫ હજાર રૂપિયા જેટલી થાય છે, જેમાંથી તેમણે ઘરનું ભાડું, નાના ભાઈની સ્કૂલની ફી પણ ભરવાની હોય છે.

એ જાણીને આશ્ચર્ય થાય છે કે ગોલ્ડ મેડલ જીતનારા આ ખેલાડી પાસે ટ્રેનિંગ માટે કોઈ કોચ નથી. રાજકુમાર પ્રેક્ટિસ માટે ગુડગાંવના એક મોલમાં જાય છે, જ્યાં તે પ્રેક્ટિસ માટે એક કલાકના રૂ. ૫૫૦ ચૂકવે છે. રાજકુમાર કહે છે, ”સ્કેટિંગમાં મારો કોઈ કોચ નથી, કારણ કે હું કોચનો ખર્ચ ઉઠાવી શકું એમ નથી. કોચની ફી સપ્તાહના બેથી ત્રણ હજાર રૂપિયા જેટલી હોય છે. જ્યારે હું સ્કેટિંગ કરું છું ત્યારે લોકો પ્રશંસા જરૂર કરે છે, કેટલાક લોકો મદદ માટે વચન પણ આપે છે, પરંતુ બાદમાં લોકો ભૂલી જાય છે.” પોતાનો આ જંગ જીતવા રાજકુમાર આકરી મહેનત કરી રહ્યો છે.

રાજકુમાર પોતાના નાના ભાઈ સાથે સ્કેટિંગની પ્રેક્ટિસ માટે ગુડગાંવ જાય છે. સ્કેટિંગનો તેનો એક મહિનાનો ખર્ચ લગભગ ૩૦-૪૦ હજાર થાય છે. આ નાણાં તે ક્યાંથી ભરે છે તેના જવાબમાં રાજકુમાર કહે છે, ”ઓએનજીસીએ મારા અંગે સમાચાર જાણ્યા અને મને સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી. મને ઓએનજીસી તરફથી દર મહિને ૧૬ હજાર રૂપિયા સ્કોલરશિપ મળે છે, જેની મદદથી થોડા દિવસ હું પ્રેક્ટિસ કરી લઉં છું.

રાજકુમારના પરિવારમાં કુલ સાત સભ્ય છે. ક્યારેક પિતા સાથે રાજકુમારને ઝઘડો પણ થઈ જાય છે, કારણ કે ઓછી આવકના કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે, પછી આટલી મોંઘી રમત માટે પૈસા ક્યાંથી લાવવા.

You might also like