જ્વેલરીની ખરીદી મોંઘી થશેઃ સોનામાં રૂ. ૫૦૦નો ઉછાળો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાયો છે. યુએસના ઇકોનોમિક ડેટા અપેક્ષા કરતાં નબળા આવતા સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં રૂ. ૫૦૦થી વધુનો ઉછાળો નોંધાઇ આજે શરૂઆતે સોનાએ રૂ. ૨૯,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૯,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જેના પગલે જ્વેલરી ખરીદી વધુ મોંઘી થશે.

નોંધનીય છે કે જ્વેલરી બજારમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે સોનામાં જોવાયેલા ઉછાળાના પગલે કારોબાર પર અસર થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું૧૨૪૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી છે. નોન ફાર્મ પેરોલસ ડેટા નબળા આવતા સોનામાં ૩૦ ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો છે, જે છેલ્લાં ચાર સપ્તાહનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો ગણાવી શકાય.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસના ઇકોનોમી ડેટા નબળા આવતા હવે આગામી ૧૪-૧૫ જૂને યુએસ ફેડરલની બેઠકમાં વ્યાજદર વધારાની શક્યતા ધૂંધળી બની છે. દરમિયાન ચાંદીમાં ૭૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઈ ૩૯,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like