સોનાના આ પાંચ સિક્કા પિત્તળના સાબિત થયા

નવી દિલ્હીઃ આઇપીએલનો જાદુ હાલમાં ચારે બાજુ છવાયેલો છે. ગઈ કાલે ૨૩મી મેચ રમાઈ અને પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવા જબરદસ્ત રસાકસી જામી છે, પરંતુ કેટલાક એવા ખેલાડી છે, જેઓ પર ટીમ માલિકોએ કરોડો રૂપિયાનો દાવ લગાવ્યો હતો, પરંતુ તેના બદલામાં આવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા નથી.

૧૨.૫ કરોડના કરોડના મિલરની ટીમ સૌથી પાછળ
ડેવિડ મિલને ખરીદવા માટે પંજાબને ૧૨.૫ કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ પંજાબ આજે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. મિલરે છ મેચમાં ફક્ત ૭૬ રન બનાવ્યા છે અને તેની બેટિંગ એવરેજ માત્ર ૧૫.૨૦ની રનની રહી છે.

૯.૫ કરોડનો વોટસન પણ ફ્લોપ
બેંગલુરુની ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. ટીમની બોલિંગ પર અને શેન વોટસન સવાલ ઊઠી રહ્યા છે.
વોટસનને ખરીદવા માટે બેંગલુરુએ ૯.૫ કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો, જ્યારે વોટસને પાંચ મેચમાં માત્ર ૬૪ રન બનાવ્યા છે અને તેની બેટિંગ સરેરાશ બહુ જ ઓછી ૧૬થી નીચે રહી છે. પાંચ મેચમાં તેણે સાત વિકેટ ઝડપી છે, પરંતુ ઇકોનોમી રેટ આઠ રનથી ઉપરનો રહ્યો છે.

૮.૫ કરોડનો નેગી પણ કંઈ ખાસ કરી શક્યો નથી
પવન નેગી પર રૂપિયા ૮.૫. કરોડ ખર્ચીને દિલ્હી ડેરડેવિલ્સે બધાને ચોંકાવી દીધા હતા. નેગી ખુદ પણ પરેશાન હતો, પરંતુ તે પ્રદર્શન કરવાનું દબાણ સમજવા લાગ્યો છે. નેગીએ ૮.૫ કરોડના બદલામાં અત્યાર સુધી પોતાની ટીમ માટે ફક્ત ૨૯ રન બનાવ્યા છે અને હજુ સુધી તેને એક પણ વિકેટ મળી નથી.

૬.૪ કરોડનો મોહિત પણ નિષ્ફળ
પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઈલેવન પંજાબ સૌથી છેલ્લા સ્થાને હોવાનું એક કારણ તેમના ફાસ્ટ બોલર્સનું કંગાળ પ્રદર્શન પણ છે. ફાસ્ટ બોલિંગ આક્રમણની મોટી જવાબદારી મોહિત શર્મા પર છે. મોહિતને પંજાબે ૬.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે છ મેચમાં ફક્ત સાત જ વિકેટ ઝડપી શક્યો છે.

૪.૨૦ કરોડનો દીપક ક્યારે ચમકશે?
આ વખતની હરાજીમાં કેટલાક યુવાન ખેલાડીઓ પર પણ કરોડો રૂપિયાનો દાવ લાગ્યો હતો. આ લિસ્ટમાં દીપક હુડ્ડાનું નામ સૌથી આગળ હતું અને સનરાઇઝર્સ હૈદરબાદે મોટી આશાઓ સાથે તેના પર દાવ લગાવ્યો હતો. હુડ્ડાને હૈદરાબાદે રૂ. ૪.૨૦ કરોડમાં ખરીદ્યો, પરંતુ હુડ્ડાના બેટમાંથી છ મેચમાં માત્ર ૩૫ રન બન્યા છે અને તે ફક્ત એક જ વિકેટ ઝડપી શક્યો છે. જેમ જેમ આઇપીએલ આગળ વધી રહી છે તેમ તેમ ખેલાડીઓ પર પ્રદર્શન સુધારવાનું દબાણ પણ વધી રહ્યું છે, ખાસ કરીએ એ ખેલાડીઓ પર જેઓ પર તેમની ફ્રેંચાઇઝીએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને એ ટીમ પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ છે.

You might also like