અમદાવાદ: વૈશ્વિક બજારમાં સોનું બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું છે. યુએસ ફેડરલ રિઝર્વની ગઇ કાલથી મળેલી બે દિવસીય બેઠક પૂર્વે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૩૦ ડોલરની સપાટી તોડી ૧૨૨૯ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. દરમિયાન દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સોનાના હોલ્ડિંગમાં ૦.૨૬ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો છે.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા ૧૫ દિવસથી ભારતમાં જ્વેલર્સની અનિશ્ચિત મુદતની હડતાળના પગલે વૈશ્વિક બજારમાંથી ફિઝિકલ સોનાની ડિમાન્ડ ઘટતાં પણ તેની અસર વૈશ્વિક ભાવમાં જોવા મળી રહી છે. હડતાળ હજુ પણ કેટલી લાંબી ચાલે તે અંગે અનિશ્ચિતતાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. તો બીજી બાજુ ચીન દ્વારા પણ સોનાની માગમાં ઘટાડો નોંધાયો છે અને તેને કારણે ભાવ વધુ તૂટ્યા છે.