વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થાનિક બજારમાં સોનાની આયાત ૨૫ ટકા ઘટી

અમદાવાદ: જ્વેલર્સની હડતાળ, નોટબંધી તથા સરકારી નિયંત્રણોના પગલે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થાનિક બજારમાં સોનાની આયાતમાં ૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫-૧૬માં સ્થાનિક બજારમાં સોનાની આયાત ૮૩ ટનની થઇ હતી, જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં સોનાની આયાત ઘટીને ૬૨ ટનની જોવા મળી છે.

સ્થાનિક બુલિયન માર્કેટના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં અલ નિનોની ઇફેક્ટ, જીએસટી સહિત ગ્રામીણ વિસ્તારમાંથી પણ માગમાં ઘટાડો થવાના કારણે સોનાની માગ નીચી રહેવાની આશંકા સેવાઇ રહી છે, જેના પગલે સોનાની આયાત પણ નીચી રહે તેવો અંદાજ છે. નોંધનીય છે કે બુલિયન બજારના અગ્રણીઓ ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની પાછલા કેટલાય સમયથી માગ કરી રહ્યા છે.

દરમિયાન પાછલા નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં સોનાની આયાત ૫૫૮ ટનની કરાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જ્વેલરીની ખરીદી માટે આધાર આધારિત કેવાયસી સંબંધિત નવી ગોલ્ડ નીતિ પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
http://sambhaavnews.com/

You might also like