સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડો નોંધાયો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાઇ ૧,૨૨૩ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી રહ્યું છે, જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડાની અસર નોંધાઇ છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઈ ૨૯,૦૦૦ની નીચે ૨૮,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે. એ જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ નરમાઇ તરફી માહોલ જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૭,૧૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે.બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં સપ્તાહે ઇક્વિટીબજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલને પગલે સોના-ચાંદીમાંથી રોકાણ પાછું ખેંચી ઇક્વિટી બજારમાં આવતાં સોના-ચાંદીના ભાવમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી રહી છે. તો બીજી બાજુ વૈશ્વિક ફંડોએ પણ ભારે વેચવાલી કરી છે અને તેને પગલે વૈશ્વિક બજારમાં પણ સોનામાં નરમાઇ તરફી ચાલ જોવા મળી છે.

દરમિયાન કેલેન્ડર વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં અનિશ્ચિતતાને પગલે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ ધીમે પણ મજબૂત રીતે વધી રહ્યું છે. વિદેશી ફંડોએ પણ ડોલરમાં અનિશ્ચિતતાની અસરે હેજિંગ તરીકે સોનામાં રોકાણ વધાર્યું છે.

You might also like