રાતે ત્રણ વાગ્યે શિક્ષિકાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં હવે મોડી રાતે પણ સોનાની ચેઈન લૂંટવાના બનાવો શરૂ થયા છે. રાતે ત્રણ વાગ્યે નરોડા પાટિયા પાસેથી ચાલતાં ચાલતાં ઘરે જતી શિક્ષિકાના ગળામાંથી સોનાના દોરાની લૂંટનો બનાવ બન્યો છે.
નરોડા એસટી વર્કશોપ પાસે આવેલી ગોપીનાથ સોસાયટીમાં વિમળાબહેન પરમાર (ઉં.વ.૪૯) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ કચ્છ ખાતે આવેલી સાક‌િડયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મંગળવારે મોડી રાતે ત્રણ વાગ્યે તેઓ તેમના ઓળખીતાં નીલમબહેન સાથે ટ્રેનમાં કચ્છથી અમદાવાદ આવ્યાં હતાં. ત્યાંથી રિક્ષામાં તેઓ નરોડા પાટિયા ઊતર્યાં હતાં.

ચાલતાં ચાલતાં તેઓ ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે એક યુવક વિમળાબહેનના ગળામાં રહેલો સોનાનો દોરો ખેંચી નાસી ગયો હતો. તેઓએ બૂમાબૂમ કરી હતી, પરંતુ લૂંટારુ ઉદય ગેસ એજન્સી તરફ નાસી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like