સોના સામે તરત જ રોકડ મેળવવી મુશ્કેલ બનશે

અમદાવાદ: ઘરમાં પડેલા સોના સામે તરત જ નાણાં મેળવવાનું આગામી ૧ એપ્રિલથી મુશ્કેલ બની શકે છે. કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલમાં કરેલા સુધારામાં સોના સામે વેચાણની રોકડ મર્યાદા દૈનિક રૂ. ૨૦,૦૦૦થી ઘટાડીને ૧૦,૦૦૦ કરી છે. એટલે કે ઇમર્જન્સી-મુશ્કેલ સમયમાં નાણાંની જરૂર પડે તો વ્યક્તિ તેના ઘરમાં પડેલું સોનું વેચીને તાત્કાલિક રોકડ મેળવવી મુશ્કેલ બનશે.

એટલું જ નહીં જ્વેલર્સ પણ સોનાના વેચાણ સામે એક કરતાં વધુ બિલ બનાવીને રૂ. ૧૦,૦૦૦થી વધુનું સોનું ખરીદશે તો નવા કાયદા મુજબ તેઓ ટેક્સની ઝપટમાં આવી શકે છે. બુલિયન અને જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સરકારના આ પગલાંથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સીધી અસર જોવાશે, જ્યાં લોકો મોટા ભાગે રોકડમાં જ કારોબાર થાય છે. આ લોકો બેન્ક ટ્રાન્સફર કે ઓનલાઇન નાણાંની ફેરબદલ માટે ઇ-ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થાથી ટેવાયેલા નથી. તો બીજી બાજુ શહેરમાં સોનું ખરીદનાર વેપારી વેચનારના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે અને વેચનાર તે રકમ તેના ખાતામાંથી ઉપાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રોકડની મર્યાદા રૂ. ૨૦ હજાર હતી ત્યારે વેપારીઓ એકથી વધુ બિલ બનાવતા હતા, જોકે સરકાર હવે સોનાના વધતા જતા વેપારના કારણે જ્વેલર્સ ઉપર ચાંપતી નજર રાખી રહી છે, જેના પગલે તેઓએ એકથી વધુ બિલ બનાવવું મુશ્કેલ બની શકે છે.
http://sambhaavnews.com/

You might also like