સોના પાછળ ચાંદીમાં પણ તેજી: ચાર દિવસમાં રૂ. ૧,૦૦૦નો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદ: ચાંદીના ભાવ કેટલાક સમયથી દબાયેલા રહ્યા હતા, પરંતુ છેલ્લા ચાર દિવસમાં ચાંદીના ભાવમાં રૂ. ૧૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. આજે શરૂઆતે ચાંદીનો રૂ. ૪૦,૫૦૦ પ્રતિ કિલોની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

રૂપિયો સાત મહિનાના નીચલા સ્તરે પહોંચી જતા તથા વૈશ્વિક બજારમાં ચાંદી ૧૭.૨૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી જતાં ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં ચાંદીનો ૩૯,૦૦૦થી ૩૯,૫૦૦ની આસપાસ ભાવ જોવા મળી રહ્યો હતો.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના કારણે હોલસેલર અને સેમિ હોલસેલરનું કામકાજ સોનામાં વધ્યું હતું, જેની સામે ચાંદીની ડિમાન્ડ ધીમી હતી, પરંતુ નીચા ભાવે ડિમાન્ડ નીકળતાં ચાંદીમાં ચળકાટ વધ્યો છે.

દરમિયાન સોનાના ભાવમાં પણ આગેકૂચ જારી રહી છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૩૨,૪૫૦-૩૨,૪૭૫ની સપાટીએ ખૂલ્યા હતા.

You might also like