સુરતમાં સોના-ચાંદીના વેપારીની ગોળી મારી હત્યા કરાઇ

(એજન્સી) અમદાવાદ: સુરતના નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીની સામે આવેલી સોના-ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બાદ આરોપીઓ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે બેથી ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ લાવવાની વાતે સમાજના લોકો એકઠા થયાં હતાં.

મૂળ ઉતર ગુજરાતના પાલનપુરના રહેવાસી મહેન્દ્ર શાહ પત્ની અને એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા. નવસારી બજાર પોલીસ ચોકીની સામે મહેન્દ્રભાઈ સોના-ચાંદીની છેલ્લા રપ વર્ષથી દુકાન ચલાવતા અને સોના-ચાંદીના દાગીના સામે વ્યાજે રૂપિયા પણ આપતા હતા. આજે મહેન્દ્રભાઈ દુકાનમાં બેઠા હતા.

દરમિયાન બે ઈસમો બાઈક પર આવ્યા હતા. અને દુકાનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ મહેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ઘૂસી ગઈ હતી. અને ફાયરિંગ કરનાર ઈસમો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને એક ગોળી પણ કબજે કરી હતી. અને એફએસએલ અને ડોગસ્કવોડની મદદથી આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સિવિલમાં મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરતાં તબીબોએ જણાવ્યું હતું કે, એક ગોળી પેટ અને છાતિના વચ્ચે વાગી અને બીજી ડાબી બાજુના ખભાના ભાગે તથા ગળા પર ઘસરકાના નીશાન મળી આવ્યાં છે. કુલ ત્રણ રાઉન્ડ થયેલા ફાયરીંગમાં મૃતકના શરીરમાંથી બે ગોળી મળી આવી છે.

ખાનગી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે ફાઈનાન્સરને એક પેટમાં, બે ડાબા ગાલ પર અને એક ડાબી સાઈડની ગરદન પર ઘા હતો. જેથી હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યુ. પીએમ બાદ વધુ ખ્યાલ આવશે.

ક્રાઈમબ્રાંચ-પીસીબી અને અઠવા પોલીસે ફાઈનાન્સરની બાજુની પતરાની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં બે હુમલોખોરો નવસારી બજારથી દુકાન તરફ મોઢા પર રૂમાલ બાંધીને ચાલતા આવતા દેખાય છે. બન્ને હુમલાખોરો ફાઈનાન્સર પર ફાયરીંગ કરી ડિવાઈડર ક્રોસ કરી સામેના રસ્તા પરથી બાઈક ચાલી ગયા હતા. અન્ય એક સીસીટીવી ફુટેજમાં તો એક શંકાસ્પદ ઈસમ દેખાય છે.

You might also like