હવે તમારા ઘરે બનાવો સ્વાદિષ્ટ ગોળનાં લાડું

જો તમને લાડુ ભાવતા હોય તો તમે એક વાર અચૂકથી ગોળનાં લાડુ ખાઈ જોજો. તમે કદાચ અત્યાર સુધી જેટલાં પણ લાડું ખાધા હશે તે દરેક લાડુંનો સ્વાદ તમે ભૂલી જશો. તમે મોટે ભાગે ખાંડનાં લાડુ ખાધા હશે. પણ શું તમે ક્યારેય ગોળનાં લાડું ખાધા છે.

તો એક વાર જરૂરથી ઘરે ગોળનાં લાડુ બનાવો અને તેનો સ્વાદ માણો અને મહેમાનને પણ તેનો સ્વાદ એક વાર જરૂરથી ચખાડો. ગોળનાં લાડુ તો એવા સ્વાદિષ્ટ હોય છે કે તમે જો કોઈને પણ ખવડાવશો તો તમારો વટ તો રહી જશે પરંતુ તેનાં મોમાં હંમેશને માટે તેનો ટેસ્ટી સ્વાદ રહી જશે.

ગોળનાં લાડું બનાવવા માટેની સામગ્રીઃ
તેલઃ ૧૦૦ ગ્રામ (મોવા માટે)
માપ અનુસાર તેલ (તળવા માટે)
ઘઉંનો જાડો લોટઃ ૪૦૦ ગ્રામ
ગોળઃ 200 ગ્રામથી સવા 200 ગ્રામ
ઈલાયચીઃ ૧૭ નંગ
નાની વાટકી જેટલું કોપરાનું છીણ
તલઃ ૨ ચમચી
ઘીઃ ૨૦૦ ગ્રામ
ખસખસઃ ૨ ચમચી

ગોળનાં લાડું બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ તમે ઘઉંનો લોટને મુઠ્ઠીભર મોયણ જેટલું તેલ લગાવી તેને મોઇ નાખો. પછી તેમાં ગરમ પણ હુંફાળા પાણીનો ઉપયોગ કરી લોટને કડક બાંધવો અને પછી તેનાં મૂઠીયા બનાવવાં. ત્યાર બાદ આ મૂઠિયાંને તેલમાં તળી લેવાં.

હવે આ મૂઠિયા જ્યાં સુધી ગુલાબી ના થઇ જાય ત્યાં સુધી તેને તળવા દો. હવે તમે આ મૂઠિયાનાં બે કટકા કરી તેને ખુલ્લા મૂકી દેવાં. પછી તેને સામાન્ય ઠંડા થવા દેવા મૂકી દેવાં. મૂઠીયા ઠંડા પડતાં જ તેને બે હાથ વચ્ચે લઈ બરાબર મસળી કાઢવાં,

ત્યાર બાદ આ ભૂકાને ચાળી કાઢવો. જેથી આ ચારણી નીચે કકરા લોટ જેવો ભૂકો પડશે. પણ જ્યારે ચારણીની અંદર જે જાડો ભૂકો વધે તેને મિક્ષરમાં ક્રશ કરીને જાડો દળી કાઢવો અને તેને પણ ચારણીમાંથી ચાળતા નીકળેલાં ભૂકામાં ઉમેરી મિક્ષ કરી દો.

હવે તાવડી લો. તેમાં ધી લો અને પછી તેમાં તલ અને કોપરૂ હલાવીને સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લેવાં. ત્યાર બાદ તેની ઉપર તૈયાર થયેલા લોટ જેવા ભૂકામાં ભેળવી દો. હવે ઘીને વધારે ગરમ કરો અને તેમાં ચપ્પુથી પતરી જેવો કાપેલો ગોળ ઉમેરી દો.

આ ઘીમાં ગોળ ઓગળે એટલે તુરંત જ આ મિશ્રણને ઉપર તૈયાર થઈ ગયો છે તે ભૂકામાં ઉમેરી બરાબર ભેળવી દો. હવે આ મિશ્રણને ગોળનાં લાડુનો આકાર આપી દો અને તેનાં પર ખસખસ લગાવી તેની સજાવટ કરી દો.

નોંધઃ આ રીત મુજબ તમારે જ્યારે લાડુ તૈયાર કરીને છેલ્લે જ્યારે લાડવા વાળવાનો વખત આવે ત્યારે તેને જરા નાના વાળજો. એટલે કે લાડુને જ્યારે જમતી વખતે પીરસવામાં આવે ત્યારે તેને કુલેરનાં લાડવાંથી સહેજ મોટા કદમાં વાળો.

You might also like