ગોહિલવાડના દરિયાકાંઠે એક લટાર

ભાવનગરની આસપાસનો વિસ્તાર ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. અહીં દરિયાકાંઠે વિસ્તરેલા અનેક વિસ્તારો એવા છે જેની મુલાકાત એક વાર અચૂક લેવા જેવી છે. ભાવનગરથી ૩૦ કિલોમીટર દૂર કોળિયાક ગામ નજીક દરિયામાં નિષ્કલંક મહાદેવ બિરાજમાન છે. મંદિરની આસપાસનો વિસ્તાર ટૂરિઝમ તરીકે વિકસી રહ્યો છે. જ્યાં બીચ, કાંટાળી વનસ્પતિનું જંગલ, ઐતિહાસિક ધરોહર સમાન શિવમંદિરો, ટૂરિઝમ માટે વિકસાવેલાં કોટેજ અને ગોહિલવાડની ઓળખ અપાવતો બંગલો આજે પણ મોજૂદ છે. તો આવો, લટાર મારીએ, દરિયાઈ કિનારાની આસપાસના સૌંદર્યની અને ઔતિહાસિક વારસાની

2.-Padthaliaya-Mhadev.-(13)

પડધલિયા મહાદેવ
નિષ્કલંક મહાદેવથી હાથબ ગામ તરફ જતાં ૨ કિલોમીટરના અંતરે સ્વયંભૂ શિવ બિરાજેલા છે. અહીંના પૂજારી વિલાસગિરિ ગોસ્વામી આ શિવલિંગ હજાર વર્ષ જૂનું હોવાનું કહે છે. શિવલિંગનું કદ જમીનમાં ૨૦ ફૂટ સુધી અને જમીન બહાર સવા ત્રણ ફૂટનું છેે. લિંગમાં દર વર્ષે સાપ કાંચળી બદલે તેમ તે પથ્થરનો થર બદલાતો હોય તેવી માન્યતા છે. આ કારણથી જ સમગ્ર પંથકમાં તે પડધલિયા મહાદેવ તરીકે ઓળખાય છે. મહર્ષિ પુરાણમાં ઉલ્લેખ મુજબ ભારતની ચારેય દિશામાં જનોઈધારી શિવલિંગ આવેલાં છે, તેમાંનું આ એક હોવાનું મનાય છે

1.-Niskalnk-Mahadev-(4)
નિષ્કલંક મહાદેવ (નકળંગ ધામ)

ભાવનગરથી ૩૦ કિલોમીટરના અંતરે કોળિયાક ગામ નજીક દરિયામાં ‘નિષ્કલંક મહાદેવ’ રૂપે ભગવાન શિવ બિરાજે છે. આ સ્થળ ઘોઘા બંદર કે નકળંગધામ તરીકે પ્રખ્યાત છે. પ્રાચીન દંતકથા મુજબ મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પોતાનાં જ સ્વજનોને હાર આપેલી તે કલંકને નાબૂદ કરવા અહીં શિવની સ્થાપના કરાઈ હોવાથી તે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાયા. મંદિર દરિયામાં ડૂબેલું હોવાથી ઓટ આવે ત્યારે જ દર્શન થાય છે. ભાદરવા સુદ પૂનમે અહીં મેળો ભરાય છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવે છે


3-hathab-bunglow
હાથબ બંગલો

પડધલિયા મહાદેવ મંદિરથી ૨ કિમી.ના અંતરે હાથબ ગામે હાથબ બંગલો આવે છે. અરબી સમુદ્રના આ સોનેરી રેતીવાળા કિનારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ બંગલો બંધાવ્યો હતો. હાલમાં આ બંગલાનું સંચાલન વનવિભાગ હસ્તક છે. પ્રવાસીઓ માટે અહીં સરકાર દ્વારા ઇકો ટૂરિઝમના ભાગ રૂપે કોટેજની સુવિધા ઊભી કરવામાં આવી છે. એક દિવસના રોકાણ માટે હજાર રૂપિયા જેટલો ચાર્જ હોય છે. રાત્રિરોકાણ માટે વનવિભાગની પરમિશન લેવી પડે છે

7.-Bhimna-Dholiyana-Paya.-(
ભીમના પાયા કે લંગર !

હાથબથી અલંગ તરફ જતાં ૧૭ કિલોમીટર દૂરના સ્થળે વિશાળ પથ્થરો પડેલા છે જે ભીમના ખાટલાના પાયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ સ્થળ પ્રાચીનકાળમાં હેડમ્બા વન તરીકે ઓળખાતું હોઈ અહીં પ્રાચીન અવશેષ રૂપે આ પથ્થરો છે. જોકે હમણાં જ થયેલા પુરાતત્ત્વીય સંશોધનમાં તે વહાણ લાંગરવાના મોટાં લંગર હોવાનું પ્રસ્થાપિત થયું છે

4-dariyo
મસ્તીથી લહેરાતો દરિયો

ઘોઘાના હાથબ નજીકના દરિયાકિનારે મોજ માણવા અને દરિયામાં નહાવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ કિનારે જ ૧૯૮૫માં વનવિભાગના સહયોગથી ગુજરાતનું પહેલું કાચબાઉછેર કેન્દ્ર વિકસાવાયું હતું. જોકે આજે તે કાર્યરત નથી

5.-Hathab-Bich.-(4)
હાથબ બીચ

હાથબ નજીકના દરિયા કિનારાને વનવિભાગ દ્વારા બીચ રૂપે ડેવલપ કરવામાં આવ્યો છે. કિનારે સિમેન્ટમાંથી બનાવેલી ખુરશીઓ જાણે વિશાળ
વૃક્ષના થડમાંથી બનાવેલી જ જોઈ લો. ઘાસ અને વનસ્પતિના પૂળામાંથી વનકુટિર પણ બનાવી છે. જેમાં બેસીને દરિયામાં ઊછળતી લહેરો અને ઠંડા પવનની મજા માણી શકાય છે. દરિયામાં નહાવા માટે પણ આ સ્થળ ઉત્તમ છે


6.-Hathab-Jangal.-(18)
દરિયાકિનારે કાંટાળું જંગલ

ઘોઘા તાલુકાના દરિયાકિનારે બાવળનું જંગલ છે. સમગ્ર વિસ્તારના કિનારેકિનારે કાંટાળી વનસ્પતિ મોટી સંખ્યામાં હોઈ આ કાંટાળા જંગલ વચ્ચેની કેડીમાંથી પસાર થઈને દરિયા કિનારે પહોંચવું પડે છે. બાવળ, થોર અને હાથલા થોર ઉપરાંત કુંવારપાઠાના છોડ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે

ગૌતમ શ્રીમાળી

You might also like