આ તે કેવું સન્માન?, ગોધરામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરનારને મોટરસાઇકલનું ઇનામ

પંચમહાલઃ ગોધરા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ એક મોટો વિવાદ સર્જાયો છે. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર અપક્ષ સભ્યોને વાહનોની ભેટ આપવામાં આવી છે. 14 જેટલા સભ્યોને ટુ-વ્હીલર વાહનોની ભેટ આપીને જાહેરમાં સન્માન કરવામાં આવ્યું છે. આ ભેટ ગોધરાનાં મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આપવામાં આવી છે.

ત્યારે કોઇ પણ જાતનાં સંકોચ વગર વિપક્ષ સભ્યોએ વાહનોની ભેટ સ્વીકારી પણ લીધી છે. પરંતુ આ ઘટનાએ લોકશાહીનાં ધજાગરા ઉડાડ્યાં છે. કારણ કે મતદાન માટે લાલચ આપવી એ કોઇ પણ રીતે યોગ્ય ન જ કહીં શકાય. કોને મત આપવો કે કોને ન આપવો એ મતદાતાનો પોતાનો અંગત નિર્ણય હોઇ શકે છે. પરંતુ રાજકીય લાભ ખાતર આ રીતે મત આપીને જાહેરમાં સન્માન કરવાની ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો છે.

મહત્વનું છે કે વિપક્ષ સભ્યોને મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા મોટર સાયકલ ઈનામ રૂપે આપવામાં આવી છે. ગોધરાનાં પોલન બઝારનાં કેસરી ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહ્યાં હતાં. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનાં ઈલેન્દ્ર પંચાલ પ્રમુખ બન્યાં છે. નગરપાલિકાની ચૂંટણીમાં ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા પોતાનાં સમાજનાં સભ્યોને ભાજપને વિરુદ્ધ મત આપવા અંગે પ્રોત્સાહિત કરાયા હતાં.

જો કે તેમ છતાં 11 સભ્યોએ ભાજપને સમર્થન આપતાં પાલિકાની સત્તા અંતે તો ભાજપ પાસે જતી રહી હતી. પરંતુ ઘાંચી મુસ્લિમ સમાજનાં ૧૩ અને અન્ય ૧ એમ કુલ ૧૪ જેટલાં સભ્યોએ ભાજપનાં વિરોધમાં મતદાન કર્યું હતું. આથી કોઈ લોભ-લાલચમાં ના આવીને પોતાનાં સમાજનાં નિર્ણયને વળગી રહેતા 14 જેટલાં સભ્યોને મોટર સાયકલ આપીને અંતે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

You might also like