ગોધરાકાંડઃ ૧૧ની ફાંસી રદ, હાઈકોર્ટે ફાંસીની સજા અાજીવન કેદમાં ફેરવી

અમદાવાદ: ચકચારી ગોધરાકાંડમાં ગુજરાત હાઈકોર્ટે અાજે મહત્ત્વનો ચુકાદો અાપી ૧૧ અારોપીઅોની ફાંસીની સજા રદ કરીને અાજીવન કેદમાં તબદીલ કરી છે. જ્યારે ૨૦ અારોપીઅોની અાજીવન કેદની સજા યથાવત્ રાખવામાં અાવી છે. ગુજરાત હાઈકોર્ટે અા કેસમાં મોડો ચુકાદો અાપવા બદલ દિલગીરી વ્યક્ત કરીને ગોધરાકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂપિયા ૧૦ લાખનું વળતર ચૂકવવા અાદેશ કર્યો છે.

હાઈકોર્ટની જસ્ટિસ અનંત દવે અને જી.અાર. ઉધવાણીની બેંચે ચુકાદામાં અવલોકન કર્યું હતું કે સરકાર અને રેલવે પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. આ ચકચારી કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે ૧૧ આરોપીઓને ફાંસી અને ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આજે વહેલી સવારથી ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં ચુકાદાને લઈ ભારે ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી હાઈકોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગોધરામાં સાબરમતી ટ્રેન પર ગત ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ થયેલા હિંસક હુમલામાં ૫૮ કારસેવકોના મોત નિપજ્યા હતા.

આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ગોધરાકાંડની તપાસ સિટને સોંપવામાં આવી હતી. જેમાં સીટે ૬૩ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ગોધરાકાંડને ગુનાઈત કાવતરું ગણાવીને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૧માં ૩૧ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેમાં ૧૧ આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી જ્યારે ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

સાબરમતી ટ્રેનના એસ-૬ કોચમાં અયોધ્યાથી પરત ફરી રહેલા ૫૮ નિર્દોષ કાર સેવકોને જીવતા સળગાવી દીધા હતા, જેમાં ૨૩ પુરુષો, ૧૫ મહિલા અને ૨૦ બાળકો સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે, આ હત્યાકાંડ પહેલાં આરોપીઓ હુમલાનું કાવતરું ઘડવામાં રાત્રે અમન ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા તેમજ પેટ્રોલ રેડવા માટે કોચમાં ચઢ્યા હતા તે તમામ ૧૧ આરોપીઓને નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. સજા પામેલા આરોપીઓએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ નિર્દોષ મુક્ત કરવામાં આવેલા આરોપીઓને સજા કરવાની દાદ માગતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટે ૬૩ અારોપીઅોને નિર્દોષ છોડતો નીચલી કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. બંને પક્ષકારોની દલીલો પુર્ણ થતા ૨૯ મહિના પહેલાં હાઇકોર્ટે કેસનો ચુકાદાે અનામત રાખ્યો હતો.

કોની ફાંસીની સજા અાજીવન કેદમાં ફેરવાઈ

 • મહેબૂબ ચંદા
 • બિલાલ ઇસ્માઇલ ઉર્ફે હાજી બિલાલ
 • અબ્દુલ રઝાક કુરકુર
 • હસન અહમદ ચરખા
 • સલીમ યુસુફ જર્દા
 • રમઝાની બીનયામીન બહેરા
 • જાબીન બીનયામીન બહેરા
 • સિરાજ મહંમદ મેડા
 • ઇરફાન કલંદર
 • ઇરફાન પાતળિયા
 • મહેબૂબ હસન લતિકો

 

You might also like