દેવાધિદેવ ભગવાન શિવનો મહિમા અપરંપાર…

ભગવાન શિવજીનાં અર્ધાંગિની પાર્વતી જે સમયે શિવજીને પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં ત્યારે તેમના પ્રેમની પરીક્ષા કરવા ભગવાન શિવજીએ એક બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી એમની પાસે આવી પોતાની જ નિંદા કરવા માંડી હતી. ‘તું શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા આ તપશ્ચર્યા શા માટે કરે છે? તે તારે લાયક જ નથી. તે તો સાવ દ્રરિદ્ર છે તેની તને ખબર નથી લાગતી. એની પાસે રહેવાને ઘર નથી અને પહેરવાને માટે વસ્ત્ર નથી.

ઘર નથી એટલે એ સ્મશાનમાં રહે છે અને વસ્ત્ર નથી એટલે દિગંબર રહે છે. શરીરે સાપ વીંટાળી રાખે છે, અંગો પર સ્મશાનમાં બળેલાં મડદાંની ભસ્મ ચોપડે છે. ભૂત પ્રેત જેવાં મિત્રો ધરાવે છે. એનું રૂપ પણ ભયંકર છે.’ એ સમયે પાર્વતીએ એમને ઉત્તર આપતાં કહ્યું હતું કે શિવ પરમ દરિદ્ર હોવા છતાં પણ સર્વ સંપત્તિઓનું ઉદ્ગમ સ્થાન છે.

સ્મશાનવાસી હોવા છતાં ત્રણે ભુવનોના નાથ છે. ભયાનક રૂપમાં રહેવા છતાં એ સર્વનું કલ્યાણ કરે છે એટલે જ એમનું નામ ‘શિવ’ છે. સત્ય તો એ છે કે પિનાક ધનુષ્યને ધારણ કરનાર શિવનાં યથાર્થ તત્ત્વને કોઈ જાણતું નથી.’

મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવ’ મહાકાવ્યમાં આ પ્રસંગનું રોચક વર્ણન કર્યું છે. મહાભારતમાં ભીષ્મ પિતામહ કહે છે- ‘જે બધામાં રહેતા હોવા છતાં પણ ક્યાંય કોઈને દેખાતા નથી. એ મહાદેવ શિવજીના ગુણોનું વર્ણન કરવા હું અસમર્થ છું.’

ભગવાન શ્રીકૃષ્ણને શિવજીનો મહિમાનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું- ‘હિરણ્યગર્ભ, ઇન્દ્ર, મહર્ષિઓ પણ શિવ તત્ત્વ જાણવા સમર્થ નથી.’

ભગવાન શ્રીકૃષ્ણ રુકિમણીને કહે છે ‘હું પુત્ર પ્રાપ્તિ માટે સર્વોત્તમ પર્વત એવા કૈલાસ પર જઉં છું ત્યાં મહાદેવજીની ઉપાસના કરીને એમને પ્રસન્ન કરીશ.

પ્રાણી માત્રનાં હિત પરાયણ નીલલોહિત, અવ્યય એવા ભગવાન શંકરથી વરદાન પ્રાપ્ત કરતાં તને પુત્ર લાભ થશે. બ્રહ્મચર્યવ્રત પાલનપૂર્વક તપશ્ચર્યાથી આદિદેવ અજન્મા, વિભુ, પરમાત્માને હું સંતુષ્ટ કરીશ. હું આજે જ અભય શિવનાં દર્શન કરવા જઈશ. મને દૃઢ વિશ્વાસ છે કે મારા તપથી પ્રસન્ન થઈ તે મને જરૂર પુત્ર પ્રાપ્તિનું વરદાન આપશે.’

મહાશિવપુરાણ જ્ઞાનસંહિતાના અધ્યાય ૬૧ થી ૭૧માં પણ નિરૂપિત થયું છે કે સુદામાપુરી પાસે આવેલા બરડા પર્વત(બટુકાચલ) પર સાત મહિના સુધી ભગવાન શ્રીકૃષ્ણે તપ કર્યું હતું.

તે મહાદેવને દરરોજ શિવસહસ્રનામથી બીલીપત્ર ચડાવતા હતા એનાથી પ્રસન્ન થઈ શિવજીએ એમને અનેક વરદાન આપ્યા હતા, જેમાં પુત્ર પ્રાપ્તિનું મુખ્ય હતું. ભગવાન શ્રીકૃષ્ણ જે શિવલિંગની પૂજા કરી બીલીપત્ર ચડાવતા હતા તે શિવલિંગ ‘બિલ્વેશ્વર’ નામથી અત્યારે પણ પ્રસિદ્ધ છે.

જે નદીના કિનારે એમનું મંદિર છે એ નદીનું નામ પણ ‘બિલ્વગંગા’ છે. મહાભારતના ‘અનુશાસન પર્વ’માં ભગવાન શ્રીકૃષ્ણ મહાદેવજી પાસેથી વરદાન પ્રાપ્તિ સમયે માગે છે. ‘ધર્મમાં મારી દૃઢતા રહે, યુદ્ધમાં શત્રુઘાત કરવાનું સામર્થ્ય, જગતમાં ઉત્તમ યશ, પરમ બળ, યોગમાં પ્રિયતા, તમારું સાંન્નિધ્ય, અનેકાનેક પુત્રો, બ્રાહ્મણો માટે કોપનો અભાવ, પિતાની અને માતાની પ્રસન્નતા, સેંકડો શુભ કાર્ય, ઉત્કૃષ્ટ વૈભવ ભોગ, કુળમાં પ્રીતિ, શમત્વની પ્રાપ્તિ (શાંતિ-લાભ) અને કર્મમાં કુશળતા મને આપના વરદાન રૂપે આપો.’ શિવજીએ પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણને તે પંદર વરદાન પ્રદાન કરી દીધાં હતાં.•

You might also like