ભગવાન વિષ્ણુની સરળ ઉપાસના

આપણા સનાતન ધર્મ હિંદુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની એમ ત્રિવિધ દેવની ઉપાસના થાય છે. આ ત્રિદેવ સર્જન, પાલન તથા સંહારના સ્વામી છે. ભક્તો પોતાની રુચિ અનુસાર તેમનું પૂજન કરે છે. ભગવાન વિષ્ણુની ઉપાસના સમગ્ર આર્યાવ્રતમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. શ્રીવિષ્ણુપુરાણ, શ્રીહરિવંશ તથા શ્રીમદ્ ભાગવતમાં તેમનો અપાર મહિમા ગવાયો છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત પુરાણ સર્વત્ર સન્માન પામ્યું છે. આવો અહીં આપણે તેમની સરળ ઉપાસનાની રીત જોઈએ.

ભગવાન શ્રીહરિ વિષ્ણુની ઉપાસનામાં વિષ્ણુસહસ્રનામસ્તોત્રનો નિત્ય પાઠ તેમના ઉપાસકોને પ્રાણથી ય વહાલો હોય છે. પ્રત્યેક વિષ્ણુભક્ત સુદ તથા વદની બંને અગિયાશ, પૂનમ તથા અમાસ સંપૂર્ણ નિષ્ઠાની ઉપવાસ કરે છે. શ્રીમદ્ ભાગવત પુરાણનું પારાયણ એ ખરેખર વાંગમય યજ્ઞ જ છે.
ગીતા સહસ્રનામૈવ સ્તવરાજો ભનુરસ્મૃતિ । ગજેન્દ્ર મોક્ષણં ચૈવ પંચરત્નાનિ ભારતે ।।
ગીતાજી, વિષ્ણુસહસ્રનામ, ભીષ્મસ્તવરાજ, અનુસ્મૃતિ અને ગજેન્દ્રમોક્ષ આ પંચરત્નોના પાઠથી ભક્તોનું ઔહિક તથા પારલૌકિક કલ્યાણ થાય છે.

ભગવાન ચૈતન્યે હરિ બોલો નામસંકીર્તનથી પરમ આનંદમયી આસ્થા પ્રાપ્ત કરી છે. ભગવાન કૃષ્ણ, કેશવ, હરિ એ સર્વેશ્વર છે તેમનામાં જ સર્વ દેવનો સમાવેશ થાય છે. સર્વ દેવોને કરેલા નમસ્મકાર પણ તેમને જ અર્પણ થાય છે. સર્વત્ર તેમનું જ ગાન ગવાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુનો મહિમા અનંત છે. સર્વત્ર વિજય પ્રાપ્ત કરવા તથા શત્રુ નાશ કરવા માટે નારાયણ કવચના પાઠ જેવું અમોઘ શસ્ત્ર બીજું કોઈ નથી.

‘ૐ નમો નારાયણ’ આ અષ્ટાક્ષર મંત્રના જાપથી ઉપાસકના આત્માનું કલ્યાણ થાય છે. જે તે ઉપાસક આ મંત્રના જાપથી અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.  વાસુદેવની ઉપાસનાનો એક ખૂબ સરળ તથા અમોઘ મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય છે. આ દ્વાદક્ષરી જાપનું વિધાન ભૃગુ ઋષિએ ભૃગુસંહિતામાં અનેક સ્થળે કરેલું છે.

મહર્ષિ ભૃગુ ઋષિએ આ મહામંત્ર નારદજીને આપ્યો. નારદજીએ આ મંત્ર ‘ધ્રુવજી’ને અર્પણ કર્યો. આ મંત્રના સતત જાપથી ધ્રુવજી અમરપદ પામ્યા છે. જો કોઈ સાધક કે ઉપાસક આ મહામંત્રનું વિધિવત અનુષ્ઠાન કરી બાર લાખ જાપ કરે તો તે અપાર સુખ, સમૃદ્ધિ તથા અનંત શાંતિ પામે છે. ભગવાન વાસુદેવની કૃપાથી તે મોક્ષ પામે છે.
નમો સ્વનંતાય સહસ્ર મૂર્તયૈ
સહસ્ર પાદાક્ષિશિરોરુવાહવૈ
સહસ્રનામ્નૈ પુરુષાય શાશ્વતે
સહસ્ર કોટિ યુગધારિણે નમઃ।।

જો કોઈ ઉપાસક ઉપરનો જાપ મંત્ર જપે તો તેને આખા વિષ્ણુસહસ્રનામસ્તોત્ર કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ભૃગુ ઋષિઓ સંતાન પ્રાપ્તિ માટે તથા વંશવૃદ્ધિ માટે ગોપાલસ્તોત્ર કરવાનો ઉલ્લેખ કર્યો છે. અવિચળ લક્ષ્મીનો સ્વામી બને છે.
ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટેઃ
દેવકીસૂત ગોવિંદ વાસુદેવ જગત્પતે । દેહિ મે નનયં કૃષ્ણં ત્વમહં શરણં ગત।।
ઉપરોક્ત મંત્રના સતત જાપથી સંતાન પ્રાપ્તિ થાય છે. વંશ વૃદ્ધિ થાય છે. સંતાન દીર્ઘાયુષી થાય છે.•

You might also like