ઈશ્વર, જીવ અને પ્રકૃતિ-ત્રણેય તત્ત્વોનું જ્ઞાન અતિઆવશ્યક

પોતાની દિનચર્યામાં અને પોતાના જીવનમાં અનેક પ્રકારની ખામીઓ, ભૂલો, દોષ દિવસ દરમિયાન થઇ જાય છે. ન કેવળ સ્થૂળ શારીરિક રૂપથી, ન કેવળ મૌખિક રૂપથી, પરંતુ વિચારના માધ્યમથી પણ આપણાથી ભૂલો થાય છે. જે મનુષ્ય સતર્ક અને સાવધાન નથી તે રોજેરોજ સેંકડો ભૂલો કરતો હોય છે.
તે ક્યારેક મનમાં દ્વેષ ઉત્પન્ન કરે છે તો ક્યારેક રાગ ઉત્પન્ન કરે છે.

આધ્યાત્મિક દૃષ્ટિકોણથી રાગ, દ્વેષ અને મોહ ઉત્પન્ન કરવાં તે ખામી છે, ભૂલ છે, દોષ છે. સતર્ક અને સાવધાન ન હોવું આળસુ, પ્રમાદી થઇ પોતાના કર્તવ્ય અને જવાબદારીઓને ભૂલી જાય છે, પોતાના આત્માને ભૂલી જાય છે, ઇશ્વરના સત્યને ભૂલી જાય છે, સંસારના જડપણાને ભૂલી જાય છે. આ એક ખામી છે, જે મનુષ્ય ઇશ્વર, જીવ અને પ્રકૃતિ નામના ત્રણ પદાર્થોનું જ્ઞાન સતત નથી રાખતો તે દરેક સમયે ભૂલો કરે છે.

આપણને દરેક સમયે એ વાતની ખબર હોવી જોઇએ કે હું આત્મા છું, શરીર અને સંસારના પદાર્થો જડ છે અને ઇશ્વર તે પદાર્થોનો રચયિતા છે અને સર્વવ્યાપક પણ છે. જે મનુષ્ય આ ત્રણેય વસ્તુઓનું જ્ઞાન દરેક સમયે પોતાના મન અને મસ્તિષ્કમાં નથી રાખતો તે ભૂલ કરી રહ્યો છે, દરેક પળે કરે છે એવી ભૂલ કેવળ એનાથી થાય છે, જે ત્રૈતવાદ (ઇશ્વર, જીવ, પ્રકૃતિ)ને બરાબર જાણતો નથી, પરંતુ તેને જાણકારી હોવી જોઇએ કે આ મારું શરીર જડ છે, હું તેનો સંચાલક આત્મા છું, હું મન-ઇન્દ્રિયોનો પ્રયોગ કરવાવાળો ચાલક છું. આ શરીરના રચયિતા, તેના સંચાલક અને મારાં કર્મોના ફળદાતા, મારા જીવનદાતા અને આ શરીરના પાલનકર્તા પરમ પિતા પરમાત્મા છે. તે મારો ઇશ્વર, મારા હૃદયમાં બેસીને મને સારા-નરસાનું જ્ઞાન કરાવે છે.

આ ત્રણેય તત્ત્વોનું જ્ઞાન જ્યારે વ્યક્તિને સતત થાય છે ત્યારે તે જ્ઞાની અને દોષરહિત હોય છે, જ્યારે આ ત્રણેય પ્રકારનું જ્ઞાન તેને નથી થતું ત્યારે સતત દિવસભર ૧૮ કલાક-દરેક સેકન્ડે તે ભૂલ કરશે, દોષ કરશે. આ ત્રણેય તત્ત્વોનું જ્ઞાન જે મનુષ્ય પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય નિરંતર ઉન્નતિ કરતો રહે છે, એમાં કોઇ સંશય નથી. આમ તો આપણા મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે બંધનથી છૂટી સ્વતંત્રતાની પ્રાપ્તિ કરવી. તેનો ઉપાય છે ઇશ્વરને જાણવા, પોતાને જાણવું અને પ્રકૃતિને જાણવી. ઇશ્વરને જાણવા માટે માણસે શાસ્ત્રો વાંચવાં પડે છે. વેદ, દર્શન, ઉપનિષદ આદિ શાસ્ત્ર છે તેને વાંચીને પોતાના જીવનને તે આદર્શોના આધાર પર ચલાવવંુ પડે છે. જે આદર્શ, મર્યાદા, સિદ્ધાંત, વિધિવિધાન ઋષિઓએ વેદોના આધાર પર આપણા માટે નિર્ધારિત કરેલાં છે તેને અનુરૂપ આચરણ કરવું પડે છે. આ બધાથી વિપરીત ચાલીને કોઇ પણ મનુષ્ય આ બંધનથી છૂટી શકતો નથી, દુઃખોથી છૂટી શકતો નથી.

You might also like