ભગવાનની ભક્ત ઉપર અનુપમ કૃપા

એક વખત સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી નેનપુર પાધાર્યા અને દેવજી ભક્તની કોઢમાં ઉતારો કર્યો.

એક વખત સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી નેનપુર પાધાર્યા અને દેવજી ભક્તની કોઢમાં ઉતારો કર્યો. પ્રારંભ થતાંની સાથે જ દેવજી ભક્ત સામે આવીને બેસી ગયા. સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાગ-વૈરાગ્યની બે કલાક સુધી વાતો કરી. પછી સદગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ સ્વરૂપનિષ્ઠાની અદ્દભૂત વાતો કરી ત્યાં તો રાત્રિના બાર વાગ્યા. પછી દેવજી ભક્તે બે હાથ જોડી વિનંતી કરી, ‘‘સ્વામી! હવે વાતો બંધ રાખો. તમે બાવીસ ગાઉથી ચાલીને આવ્યા છો, તેથી થાકી ગયા હશો માટે સૂઇ જાઓ.’’ સ્વામીએ કહ્યું ‘‘ભગત, તમે પણ સૂવાની તૈયારી કરો.’’ ત્યારે દેવજી ભક્ત કહે , મારે હજુ સૂવાની વાર છે. સ્વામી કહે ‘‘ક્યારે ઊંઘશો?’’ ત્યારે દેવજી ભક્ત કહે, ‘‘હું તો આંહીથી ખેતરે જઇશ ને ત્યાં આંટો દઇ માંચડા ઉપર બેસીને નિયમની બસો માળા ફેરવીશ. પછી સંકલ્પ કરીશ ત્યારે નિદ્રા આવશે. શ્રીજીમહારાજ અને તમારા જેવા સંતોની કૃપાથી સંકલ્પ ન કર્યો હોય ત્યાં સુધી નિદ્રા દૂર જ રહે છે.’’

આ વાત સાંભળી સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, ‘‘ગૃહસ્થાશ્રમમાં છે છતાં કેવી ઉત્તમ સ્થિતિ છે!’’ ત્યારે સદગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યુ, ‘‘સ્વામી, આપણે ગામડે ગામડે ફરી કેટલાક સત્સંગીઓને દર્શન દેવાં અને આવા સત્સંગીઓનાં દર્શન કરવાં?’’

આપણે વિચાર કરવો રહ્યો કે, દિવસ દરમ્યાન કેટલો સમય આપણા હાથમાં માળા ફરે છે? કેટલો સમય આપણા હાથમાં મોબાઇલ ફોન કરે છે?

આપણે સ્નાન શેનાથી કરીએ છીએ?

શ્રીજીમહારાજ એક વખત કુંડળ ગામે અનેક સંતો-ભક્તોની સાથે પધાર્યા હતા. કુંડળમાં જાળિયે ધરો છે. ત્યાં સંતો-ભક્તો સાથે શ્રીહરિ ન્હાવા માટે પધારતા. એક દિવસ સૌ કાઠી ત્યાં ધુબકા મારી મારીને ન્હાવા લાગ્યા પણ સરખે સરખા ભેગા થયેલા એટલે ભગવાનના સ્વરૂપમાં કોઇની વૃત્તિ રહી નહીં. કોઇએ સ્વામિનારાયણનું નામ લીધું નહીં.

થોડીવાર પછી સૌ નાહીને બહાર નીકળ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે, ‘‘સુરા ખાચર! તમે સૌએ લોહીમાં સ્નાન કર્યું.’’ સુરોખાચર કહે, ‘‘મહારાજ! ગંગાજળ નેવું પાણી છે અને તમે લોહી કેમ કહો છો?’’ શ્રીજી મહારાજ કહે, ‘‘તમે ભગવાનને સંભાર્યા હતા? ભગવાનને સંભાર્યા વિના ન્હાયા તે લોહીમાં ન્હાયા.’’ શ્રીજી મહારાજનાં આવાં વચન સાંભળીને સૌ પાછા સ્નાન કરવા ગયા. પછી સ્નાન કરતી વખતે સૌએ ‘‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…’’ મંત્ર બોલી બોલીને સ્નાન કર્યું. સ્નાન કરીને પછી સૌ શ્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજ કહે કે, ‘‘હવે તમે સૌ ગંગાજીમાં ન્હાયા.’’ આ શ્રીજી મહારાજનું ચરિત્ર આપણી સામે લાલબત્તી ધરે છે. આપણે લોહીમાં સ્નાન કરીએ છીએ કે શુદ્ધ જળમાં? આપણે નિત્ય કેવી રીતે સ્નાન

કરીએ છીએ? સ્નાન કરતી વખતે જગતનાં બીજાં ગીતો ગાઇએ છીએ કે, બીજું કાંઇ સાંભળતાં સાભળતાં સ્નાન કરીએ છીએ? આપણે જો શ્રીજી મહારાજને રાજી કરવા હશે; શુદ્ધ થઇને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવી હશે; તેમનો રાજીપો મેળવવો હશે તો ‘સ્વામિનારાયણ-સ્વામિનારાયણ’ મંત્રજાપ કરીને સ્નાન કરવું
જ રહ્યું.
•કુમકુમ મંદિર, મણિનગર

You might also like