ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય

ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય વિ.સં. ૧૮૩૭ ચૈત્ર સુદી નવમીના રોજ રાત્રે ૧૦.૧૦ મિનિટે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયું હતું.
એમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. તેઓ સામવેદી બ્રાહ્મણ હતા. તેઓનું ગોત્ર સાવર્ણિ હતું. તેમની શાખા કૌથુમી હતી. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ એ ત્રણ પ્રવર હતા. અટક પાંડે હતી. તેઓ સરયુ નદીના કિનારે નિવાસ કરતા હોવાથી ‘સરયુપારિણ’ બ્રાહ્મણ કહેવાતા.
એ સમયમાં સરયુપારિણ અર્થાત્ સરવરિયા બ્રાહ્મણો, બ્રાહ્મણ જ્ઞાતિમાં શ્રેષ્ઠ ગણાતા.

કૌશલદેશના શિરનેત્ર રાજાએ એમના પરદાદાને ઇટાર ગામની જાગીર દાનમાં આપી હતી. તેમનું નાનપણનું નામ ‘ઘનશ્યામ’ હતું. એમના મોટા ભાઇનું નામ રામપ્રતાપ અને નાના ભાઇનું નામ ઇચ્છારામ હતું.

બાલ ઘનશ્યામના બાળપણ સાથે અનેક ચમત્કારિક કથાઓ જોડાયેલી છે. બાલ ઘનશ્યામનો એક દૂરનો મામો હતો. એનું નામ કાલિદત્ત હતું. કાલિદત્ત વિન્ધ્યવાસિની દેવીનો ઉપાસક હતો. કાલિદત્ત માંત્રિકો અને તાંત્રિકોમાં અગ્રણી ગણાતો.

એ જમાનો મંત્ર, તંત્ર, કામણ, ટૂમણ અને અંધશ્રદ્ધાનો હતો. સેંકડો તાંત્રિકો અને માંત્રિકો અનેક પ્રકારની ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરવાની કામનાથી દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે પશુ પંખીઓ અને નાના બાળકોની બલિ ચઢાવતાં.

આ મંત્ર,તંત્રની સાધનામાં મદ્યપાન, માંસભક્ષણ, પરસ્ત્રી સંગ, નવજાત શિશુઓના બલિદાન સહજ હતાં. કહેવાતા માંત્રિકો અને તાંત્રિકો કામણ ટૂમણ મંત્ર,તંત્રથી લોકોમાં ધાક બેસાડતા અને પોતાનો મલિન સ્વાર્થ સિદ્ધ કરતા.

કાલિદત્તે માંત્રિકો અને તાંત્રિકોની એક ભયંકર ટોળી ઊભી કરી હતી. આસપાસના ઇલાકાઓમાં આ ટોળીની ધાક હતી. લોકો એના નામથી ધ્રૂજતા હતા.

કાલિદત્તે મલિન મંત્રોથી યજ્ઞ કરી ભયંકર કાળી બિહામણી કૃત્યાઓ ઉત્પન્ન કરી. બરાબર મધ્યરાત્રિના સુમારે આ કૃત્યાઓ ઘનશ્યામનું અપહરણ કરીને ભાગી.
કાલિદત્તનો આશય આ સર્વ લક્ષણે સંપન્ન ઘનશ્યામનું બલિદાન આપી વિશેષ તાંત્રિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો હતો.

એક બાજુ કૃત્યાઓ ઘનશ્યામનું અપહરણ કરીને ભાગી, બીજી બાજુ ધર્મદેવ અને ભક્તિમાતા અત્યંત આર્ત હૃદયે પોતાના પુત્રની રક્ષા માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. કોણ જાણે શું થયું કે કૃત્યાઓ ઘનશ્યામનું કંઇ બગાડી ન શકી, ઘનશ્યામનો ચમત્કારિક રીતે બચાવ થયો! ઘનશ્યામને મારવા માટે કાલિદત્તે અનેક પ્રયાસો કર્યા હતા, પણ સર્વ પ્રયાસો વિફળ રહ્યા હતા.

ઘનશ્યામ અઢી વર્ષના થયા ત્યારે કાલિદત્તે ફરીથી ઘનશ્યામને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ જાણે શું થયું કે ઘનશ્યામનો તો વાળ વાંકો ન થયો, પરંતુ સ્વયં કાલિદત્ત તોતિંગ આંબાના વૃક્ષ તળે દબાઇને મરણને શરણ થયો હતો અને એ જ આંબાના વૃક્ષ નીચે ખિલખિલાટ હાસ્ય કરતા બાળ ઘનશ્યામ સુરક્ષિત રીતે બેઠા હતા.

આ દૃશ્ય જોઇને છપૈયાવાસીઓના આશ્ચર્યનો પાર ન હતો. કોઇને થયું હતું કે જરૂર હનુમાનજી મહારાજ આ બાળકની રક્ષા કરે છે, કોઇને થતું હતું કે આ બાળક જ કોઇ દૈવી શક્તિથી ભરપૂર છે, નહીંતર આમ ન બને. જે હોય તે પણ ઘનશ્યામે નાનપણથી સિદ્ધ કર્યું હતું કે જો જીવન સાત્ત્વિક શક્તિથી ભરપૂર હોય તો મલિન તત્ત્વો કાંઇ બગાડી શકતા નથી. કાલિદત્તના મૃત્યુથી લોકોએ ત્રાસમાંથી છૂટકારો મેળવ્યો હતો. સમસ્ત સરવાર દેશમાં આ અલૌકિક ઘટના ખૂબ જ ખ્યાતિ પામી હતી.

શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી
એસજીવીપી ગુરુકુળ છારોડી

You might also like