અજ્ઞાનથી ઘેરાયેલું આત્મજ્ઞાન!

વિદાય વેળાએ નીલકંઠે લખુ ચારણને કહ્યું, “મા! તમે અમારા ભક્તિમાતાની પેઠે જ અમને ખૂબ પ્રેમ આપ્યો. અમને રોજ દૂરની તર અને સાકર જમાડ્યા. આના બદલામાં હું તમને શું આપું?” લખુબાઇ નીલકંઠનું અસલી રૂપ જાણી ગયાં હતાં. એમને ખબર હતી કે, ‘નીલકંઠ નારાયણ છે અને જે ધારે તે કરવા સમર્થ છે.’ નીલકંઠની વાત સાંભળી લખુ ચારણ પોતાનું બ્રહ્મજ્ઞાન થોડી વાર વિસરી ગયા. એનો સાંસારિક જીવ જાગી ઊઠ્યો અને બોલ્યા, “નીલકંઠ! તું ભગવાન છો, અને જે ધાર્યું તે કરવા સમર્થ છો. તો આ ડોશી ઉપર એટલી દયા કર કર્ય કે, મારું આ ભેંસોનું ખાંડુ અને મારો દીકરો વીરો સૂરજ અને ચાંદો તપે ત્યાં સુધી અમર રહે અને આ સદાવ્રત કાયમ ચાલતું રહે.”

લખુબાઇની વાત સાંભળી નીલકંઠ હસ્યા અને બોલ્યા, “મા! તમે તો વર્ષોથી ‘જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય’ માનતા આવ્યાં છો. આવાં વરદાન માગતી વખતે તમારું આ બ્રહ્મજ્ઞાન ક્યાં ઊડી ગયું ? તમારા મનમાંથી મિથ્યા પદાર્થનો મોહ હજુ કેમ છૂટ્યો નથી ? નાશવંત પદાર્થને શાશ્વત કરવા માટે તમે શા માટે મથો છો ?”

“બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરવી, એ અલગ બાબત છે અને માયાનાં બંધનોથી મુક્ત થવું, એ પણ અલગ બાબત છે. જે બ્રહ્મજ્ઞાન જીવનમાં ન ઉતારે એ બ્રહ્મજ્ઞાન આકાશમાં ભડાકા કરવા જેવું વ્યર્થ છે.” નીલકંઠની માર્મિક વાણી સાંભળી લખુબાઇ સચેત થઇ ગયાં. શરમાઇ ગયાં અને બોલ્યાં, “નીલકંઠ! મારી ભૂલ થઇ. મેં વાતો તો બહુ મોટી કરી, પણ ટાણે ઓહાંણ ભૂલાઇ ગયું!”

નીલકંઠ બોલ્યા, “મા! તમને તો સમાધિ થાય છે, છતાં કેમ ભૂલાં પડ્યાંં?” લખુબાઇ નીલકંઠનો પ્રશ્નનો જવાબ આપી ન શક્યાં. નીલકંઠે કહ્યું, “મા! સાંભળો, ગમે તેટલી સમાધિ થતી હોય પણ સત્સંગ સિવાય જીવનાં હૃદયમાંથી માયાના રાગ નિર્મૂળ થતાં નથી. એટલે જ અમે યોગ સમાધિ કરતાંય ભાગવત પરમ હંસોના પ્રસંગથી પ્રાપ્ત થતી જ્ઞાન સમાધિને શ્રેષ્ઠ માનીએ છીએ.”

લખુ ચારણે નીલકંઠની વાતનો સ્વીકાર કર્યો અને બોલ્યા, “નીલકંઠ ! તેં મારી અણસમજ દૂર કરી. હવે મારે કાંઇ જોઇતું નથી. મારા અંતરમાં તારા ચરણની અખંડ ભક્તિ રહે, મારા દીકરા વીરાનું કલ્યાણ થાય, એવું વરદાન દેતો જા અને બીજું તેં મારી આ ભેંસોનું દૂધ ખૂબ પીધું છે તો એ ભેંસોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપતો જા.”

નીલકંઠે હસીને કહ્યું, “મા, હવે તમે ઠેકાણે આવ્યાં ! તમારો મનોરથ પૂર્ણ થશે. કાળનો ક્રમ હોવાથી તમારા દીકરા વીરાને અને તમારી ભેંસોને શરીર તો છોડવાં પડશે. શરીર છોડીને તેઓ સદ્દગતિ પામશે. એમનાં શરીર છૂટી જશે, પરંતુ એમની કીર્તિ ચાંદો અને સૂરજ તપશે ત્યાં સુધી અમર રહેશે.” આટલું કહી લખુબાઇની ભાવભરી વિદાય લઇ નીલકંઠ ત્યાંથી નીકળી ગયા.•
– શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી

You might also like