પ્રાર્થના જપ ક્યાં કરવાં ?

પ્રાર્થના માટે એક શાંત, સ્વચ્છ અને કાયમી રૂમ રાખો. તમારા ઇષ્ટદેવનો ફોટો એવી રીતે રાખો કે, તેમનાં ચરણમાં બેસીને તમારી દૃષ્ટિ સીધી ઇષ્ટદેવ પર રાખી શકો. તેમની સામે યોગ્ય રીતે તમારું આસન પાથરો, તેની ઉપર અનુકૂળ આસનમાં બેસો. પ્રભુ ઉપર દૃષ્ટિ માંડીને તેમનાં ચરણથી શરૂ કરી, ધીમે ધીમે ધ્યાનથી તેમનાં અંગોને નિહાળતા નિહાળતા, તેમના દીપ્તિમાન અને મંદ મંદ હાસ્ય સહિતના પરમાનંદ આપતા સ્વરૂપને જુઓ. ત્યાં નજરને સ્થિર કરી તમારા ઇષ્ટદેવના મંત્રની આવૃત્તિ એકદમ ધીમે અને તમે સાંભળી શકો તેવા સ્વરમાં, પૂરા ભાવ અને શ્રદ્ધાથી કરો. દરેક ઇષ્ટમંત્ર સાથે ઉત્સાહથી માળાના મણકા ફેરવતા જાવ.
આ રીતે ર૦ માળા કરો, દિવસમાં બે વાર એકવાર સવારે અને એકવાર સાંજે. જપ કરતી વખતે તમારા મનની શક્તિનો સંપૂર્ણ સ્રોત્ર મંત્રજાપમાં હોવો જોઇએ. શરૂઆતમાં દિવસની એક માળાથી શરૂ કરી ધીમે ધીમે સંખ્યા વધારતા જવી. આ સમયે સતર્ક એક જ વાતથી રહેવાનું કે ઊંઘ આવી ના જાય. નિયમિતતા અને પૂરી નિષ્ઠાથી કરેલા જપ અે પૂર્ણ સફળતાનું રહસ્ય છે. આમ કર્યા પછી તમે તમારી જાતને ચોક્કસ પૂછી શકો જ, “મેં શું પ્રગતિ કરી ?” આમ કરવાથી જ અાધ્યાત્મિક તડપ વધતી જશે. શ્રીરામકૃષ્ણ પરમહંસ માતાજીના પરમ ભક્ત હતા, તેઓ તેમની દિવ્ય ઇશ્વરીય મા ને રોજ કહેતા, “મા, આજે એક વધુ દિવસ ગયો અને મને તારાં દર્શન થયાં નહીં.”
આમ મનને ભૌતિક સ્તરથી સૂક્ષ્મ સ્તરે સ્થાપિત કરો અને ક્રમશઃ દૈવી સ્તર તરફ લઇ જવાનું અને અંતતઃ સમાધિ. હિન્દુ ધર્મ સર્વધર્મમાં સહિષ્ણુ છે. એ વાત સ્વીકૃત છે કે અનેક ધર્મ અને અનેક સંપ્રદાયો એ એક જ પરમાત્માની પ્રભુતાની અભિવ્યક્તિ છે. તેની વ્યાપક કૃપા અને શક્તિનું મૂલ્યાંકન, એ આપણા તેની પ્રત્યેના પ્રેમની પ્રબળતા સાથે સંકળાયેલા છે. આપણો પ્રેમ વિસ્તૃત અને ઊંડાણવાળો હોવો જોઇએ. આપણો વૈદિક ધર્મ આપણને સર્વ પ્રથમ એ જ શિક્ષા આપે છે કે, મુક્તિ-મોક્ષ તરફ લઇ જતા વિવિધ માર્ગ, ધર્મ રૂપે ફેલાયેલા છે, તે કોઇનો પણ દ્વેષ કે ખંડન કરવાનો પ્રયત્ન ક્યારેય કરવો નહીં. દરેકને જે માર્ગ આકર્ષે કે અનુકૂળ આવે તે પસંદ કરવાની છૂટ છે, આ પસંદ કરેલ માર્ગનો જે આદર્શ છે તે જ આપણા ઇષ્ટ રૂપે છે. આ ઇષ્ટ, તે કોઇ મંદિર, કે કોઇ પ્રતીક, કે કોઇ પ્રતિમા અથવા કોઇ કાલ્પનિક પ્રેમાળ આવૃત્તિ, કે કોઇ ઇશ્વરીય દૂત, કે કોઇ ગુરુ પણ હોઇ શકે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે તમારી સાથે અટલ આદર્શની ધરોહર હોવી જોઇએ. સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારા ઇષ્ટની પસંદગી સ્વસ્થતાથી અને પૂર્ણ સમર્પણથી કરો, જેથી ભવિષ્યમાં તેને વળગીને રહી શકો. ખાસ કરીને શરૂઆતના સ્તરે કે જ્યારે મન હજી થોડી દ્વિધાનો અનુભવ કરતું હોય. જો આદર્શો અને વિચારધારામાં ફેરફાર થયા કરશે તો આધ્યાત્મિકતાનો સંવેદનશીલ છોડ કરમાઇ જશે. આ પ્રક્રિયામાં સાચા જિજ્ઞાસુને ચોક્કસ અનુભૂતિ થશે કે પોતાના ઇષ્ટ એ આદર્શ સ્વરૂપ છે અને પૂજનીય છે. આદાત દરેક ધર્મ કે સંપ્રદાયના જિજ્ઞાસુ માટે સાચી છે. આમ ઇષ્ટની અનુભૂતિ દરેક ધર્મ અને સંપ્રદાય માટે સર્વ સામાન્ય છે.
હવે ઇષ્ટની પસંદગી તમારે જ કરવાની છે, આ પસંદગીનું નિર્ધારણ હું ન કરી શકું. આ વિષયમાં જો તમારા કોઇ ગુરુ હોય તો તેઓના દર્શાવેલા માર્ગને અનુસરો, ગુરુ તમારા સ્વભાવને જાણી, તે અનુસાર તમને ઇષ્ટની પસંદગીમાં જરૂરી માર્ગદર્શન આપશે. હવે જો તમારા કોઇ ગુરુ પણ નથી, તો તમારે રાહ જોવાની જરૂર નથી.
સર્વપ્રથમ જે દિવ્ય આકૃતિ તમને સૌથી વધુ આકર્ષિત કરે તેનાથી શરૂ કરી દો. બાકીનું માર્ગદર્શન સમયાન્તરે તમને મળતું રહેશે.
આ એક શાશ્વત
નિયમ છે.•

You might also like