ભગવાન પશુપતિનાથ નેપાળ

જો શિવરાત્રિના પવિત્ર અવસર પર યાત્રા કરવી હોય તો નેપાળનાં તીર્થસ્થળોની યાત્રા માટે કોઇ આજ્ઞાપત્ર લેવાની જરૂર નથી. શિવરાત્રિમાં લગભગ ૧પ દિવસ પહેલાં જ રકસોલ રેલવે સ્ટેશનેથી યાત્રાળુઓને પૂરી છૂટ આપવામાં આવે છે તથા શિવરાત્રિ પછીના સાત દિવસ સુધી યાત્રાળુઓ કાઠમંડુ અથવા નેપાળમાં રહી શકે છે. જેમને મુકિતનાથ જવું હોય તે લોકો કાઠમંડુમાં અરજી આપે તો ચૈત્ર મહિના સુધી ત્યાં રજા મળતાં જ રહી શકે છે.
ભગવાન પશુપતિનાથની યાત્રા ગમે ત્યારે કરી શકાય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં અહીં ઠંડી વધારે પડે છે. મુકિતનાથની યાત્રા ચૈત્ર સુદથી કારતક વદ સુધી કરી શકાય છે. દામોદર કુંડ મુકિતનાથ આગળ છે. ત્યાં જો જવું હોય તો મુકિતનાથની યાત્રા ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી કરી શકાય છે. ત્યાં જૂન-જુલાઇમાં ભારે વરસાદ થાય છે. બરફ પણ પીગળતો હોય છે. જૂન પહેલાં ત્યાંનો માર્ગ ખુલ્લો હોતો નથી. સપ્ટેમ્બર પછી ત્યાં હિમપ્રપાત વારંવાર થતો હોય છે.
બિહાર પ્રદેશમાં પૂર્વોત્તર રેલવેનું સ્ટેશન રક્સોલ સમસ્તીપુર, દરભંગા થઇ અથવા તો નરકરિયાગંજ થઇને રકસોલ જવાય છે. ભારતીય રેલવે સ્ટેશન રકસોલથી લગભગ એક માઇલ દૂર નેપાળ સરકાર સંચાલિત રેલવે સ્ટેશન છે. ત્યાંથી નેપાળ રેલવેમાં બેસવું પડે છે. આ ટ્રેન માત્ર ર૯ કિ.મી. અમલેખગંજ સુધી જ જાય છે. અમલેખગંજથી ભીખફેડી બજાર લગભગ ર૭ કિ.મી. દૂર છે. ત્યાં સુધી વાહનો જાય છે. ભીમખેડીથી થાનકોટનો રસ્તો દુર્ગમ છે. થાનકોટથી કાઠમંડુ છ કિ.મી. છે. પાકી સડક છે. ટેકસી વાહન મળી રહે છે. કાઠમંડુથી બે કિ.મી. દૂર ભગવાન પશુપતિનાથ રહે છે. કાઠમંડુ વિષ્ણુમતી તથા બાગમતીના સંગમ ઉપર છે. બાગમતી નદીના તટ ઉપર નેપાળના રક્ષક મછંદરનાથનું મંદિર છે. વિષ્ણુમતીના તટ ઉપર પશુપતિનાથનું મંદિર છે. યાત્રાળુઓ અહીંની વિષ્ણુમતી નદીમાં સ્નાન કર્યા બાદ પશુપતિનાથ જાય છે.
એક માન્યતા મુજબ ભગવાન પશુપતિનાથની મૂર્તિ પારસની છે. તેવો ભ્રમ છે. પણ આ વાત ખોટી છે. આ પંચમુખી શિ‌વલિંગ છે તે ભગવાન શિવની અષ્ટતત્ત્વ મૂર્તિ માનવામાં આવે છે. મહિષરૂપધારી ભગવાન શિવનો આ શિરોભાગ છે. તેની નજીક જ એક મંડપમાં નંદિની મૂર્તિ છે. ભગવાન પશુપતિનાથ મંદિરની બાજુમાં જ એક માતાજીનું વિશાળ મંદિર છે.
ભગવાન પશુપતિનાથ મંદિરથી થોડે દૂર ગુહ્મેશ્વરી દેવીનું મંદિર છે. આ ભવ્ય અને વિશાળ મંદિર છે. પ૧ શકિતપીઠમાંનું એક મંદિર છે. અહીં સતીના બંને ઘૂંટણ પડયા હતા. યાત્રાળુઓ માટે અહીં ઘણી ધર્મશાળા છે. હવે તો મુઝફફરનગરથી કાઠમંડુ વિમાનમાં પણ જઇ શકાય છે.
આવશ્યક સામાનઃ જો જાતે ભોજન બનાવવું હોય તો ભોજનનાં વાસણો જોડે લઇ જવાં. રસ્તે રસ્તે બજારો છે. તેથી આ બધી કડાકૂટની જરૂર નથી. અહીં ગરમ કામળો, કપડાં વગેરે સાથે રાખવાં આવશ્યક છે. વળી મુકિતનાથ દામોદરકુંડ જવાનું હોય તો ગરમ કપડાંં, બે કામળા, થોડી સાકર, કાળાં મરી, લીંબુ, આંબલી, મીણબત્તી, ટોર્ચ, ભોજન બનાવવાનાં હલકાં વાસણ સાથે રાખવાં જરૂરી છે. રસ્તામાં ચોખા, લોટ, દાળ મળતા રહે છે. મુકિતનાથથી દામોદર કુંડ જવું હોય તો ત્રણ ચાર દિવસ ચાલે તેટલા ચોખા સાથે રાખવા જરૂરી છે.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like