માનવના રૂપમાં દેવ એ મનુષ્યની ગુણદર્શક અંતિમ પદવી

આજના સમયમાં પાશવતા ઠેર ઠેર જોવા મળે છે. રોજબરોજના સમાચારમાં માનવતાના સમાચાર કવચિત જ વાંચવા-જાણવા મળતા હોય છે, પરંતુ પાશવતાના સમાચાર વિપુલ માત્રામાં વાંચવા મળતા હોય છે. હવે તો આજના આધુનિક જમાનામાં પાશવતાની કોઇ હદ જ નથી રહી. મરઘી, ડુક્કર અને કેટલાંક બીજાં પ્રાણીઓ તો કુદરતી મોત કેવું હોય તે પણ જાણતા નથી. તેઓ તો જાણે માનવ-આહાર માટે જ ન સર્જાયાં હોય!

ખૂન, બળાત્કાર, અપહરણ કે લૂંટના કિસ્સાઓમાં ચોરી, ઠગાઇ, લુચ્ચાઇ, છેતરપિંડી અને દગાખોરીમાં સત્તા મેળવવાની કે જાળવી રાખવાની રીતોમાં, હિંસાની અવનવી રીતોમાં આપણે જે વિકાસ કર્યો છે એમાં દુર્બુદ્ધિરૂપી ‌બુદ્ધિનો વિકાસ થયો ન કહેવાય? પ્રાણીઓની કતલ, ઇન્જેકશન આપી ઘેટાંમાંથી વાળરૂપે ઊન ખેેંચવાની અસહ્ય પીડાકારક રીતો, વૃક્ષોનાં આડેધડ થતાં છેદન કે દૂધ આપવાની ક્ષમતા પૂરી થઇ ગઇ હોવા છતાં ઇન્જેકશન આપીને પરાણે દૂધ કઢાવવાની જંગલી રીતોમાં આપણે હિંસાને સમજી શકતા જ નથી ત્યારે માત્રને માત્ર અર્થ-ઉપાર્જનને મહત્ત્વ આપનારા આપણે કયાં આવીને ઊભા છીએ એનો કયારેય વિચાર કર્યો છે ખરો?

સારું સારું ભોગવવું એ કંઇ માનવીનું લક્ષણ નથી. ભૌતિક સુખો, માનમોભો, મિલકત એકઠી કરવી અને ભોગવવી, વિવિધ પ્રકારની મજા ભોગવવી, બુદ્ધિપૂર્વકનાં શોષણ કરવા અને ભોગવવાં, સત્તા ભોગવવી એટલું જ નહીં કીર્તિ સુદ્ધાં હવે તો ભોગવવામાં આવે છે ત્યારે ભોગવવામાં તો માત્ર મેળવવાનો જ ખ્યાલ હોય છે. લેવાનો જ ખ્યાલ વિકસેલો હોય છે. એટલું જ મેળવવંુ અને માત્ર મેળવવું એ ખ્યાલમાં રાચતો માણસ માનવી જ નહીં પશુ કે તેથી પણ ઉતરતી કક્ષાનો ન ગણાય?

માનવના રૂપમાં દેવ એ મનુષ્યની ગુણદર્શક અંતિમ પદવી છે. જ્યારે પાશવતા કરતાંય હલકાઇ ધરાવતા રાક્ષસી એવા અવગુણયુકત મનુષ્યની અવગુણદર્શક અંતિમ પદવી એ માનવરૂપમાં રાક્ષસ છે. આમ મનુષ્યની ઉત્ક્રાંતિમાં સારામાં અંતિમ વિકાસ એ દેવતાઇરૂપે છે, પરંતુ ખરાબમાં અંતિમ વિકાસ એ રાક્ષસીરૂપે છે. બુદ્ધિ માણસને ત્રાસ આપવાનું, કંટાળો આપવાનું, વ્યાકુળ કરવાનું, ઢીલો પાડવાનું કાર્ય કરે છે, પરંતુ શુદ્ધ બ‌ુદ્ધિ એટલે પ્રજ્ઞા. તે સૌને સચોટ રસ્તો બતાવે છે. આપણા ચિત્તની સમતુલા ત્રાજવાની દાંડીની માફક હોવી જોઇએ. ચિત્તના સમાધાનની સ્થિતિ એટલે જ સમતુલા અને સમાધિ. સમાધિ એટલે અહીં ને અહીં અનુભવાય એવી અને કદી ન ચળનારી ચિત્તની શાંત સ્થિતિ.

http://sambhaavnews.com/

You might also like