બકરીના લોહીથી થેલિસિમિયાથી પીડાતાં બાળકોની સારવાર થઈ શકશે

લુધિયાણા: આમ તો અત્યાર સુધી ગુજરાતને બાદ કરતાં દેશનાં મોટા ભાગનાં રાજ્યમાં માનવીઓનું લોહી ચઢાવીને થેલિસિમિયાગ્રસ્ત બાળકોની સારવાર થતી હતી, પરંતુ હવે બકરીના લોહીથી પણ થેલિસિમિયાથી પીડાતાં બાળકોની સારવાર થઈ શકશે. આ માટે લુધિયાણાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પંજાબનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરવામા આવશે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની જેમ પંજાબમાં પણ બકરાના લોહીથી આવી બીમારીની સારવાર થઈ શકશે.

લુધિયાણાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઈન્ચાર્જ ડો. હેમંતકુમારના જણાવ્યા અનુસાર આ માટે થોડા મહિના પહેલાં જ પંજાબથી છ આયુર્વેદિક ચિકિત્સક અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલમાં બકરાના લોહીથી થેલિસિમિયાગ્રસ્ત દર્દીની સારવારની તાલીમ લઈને આવ્યા છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે આવી સારવારથી થેલિસિમિયાગ્રસ્ત બાળકોને સારો લાભ થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લુધિયાણામાં સપ્ટેમ્બરથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ જશે અને આ માટે લોહી ચઢાવવા માટે ગુજરાતમાંથી ખાસ ઉપકરણ મંંગાવવામાં આવ્યાં છે, જ્યારે બકરાના લોહી માટે લુધિયાણા નગર નિગમના સ્લોટર હાઉસનો સંપર્ક કરવામા આવ્યો છે.

લુધિયાણાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ચિકિત્સક શિવાલી અરોરાના જણાવ્યા અનુસાર બકરીના લોહીથી થેલિસિમિયાગ્રસ્ત બાળકોની સારવારની પ્રથા નવી નથી પણ આવી પ્રથા પાંચ હજાર વર્ષ જુની છે. આયુર્વેદમાં બકરીના લોહીને અજારકત બસતી કહેવામાં આવે છે. ચરકસંહિતામાં પણ આ બાબતનો ઉલ્લેખ છે.

You might also like