ગોવાની સદા સબ જેલમાં ૪પ કેદીના હુમલામાં જેલર ગંભીર

પણજી: ગોવાની વાસ્કો ખાતેની સદા સબજેલમાં મંગળવારે રાત્રે ૪પ જેટલા કેદીઓએ જેલ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરતાં જેલર ગંભીર રીતે ઘવાયા હતા અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ અનુુસાર આ કેદીઓએ જેલમાંથી ફરાર થવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને જેલમાં તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે કેદીઓએ સાવ નજીવી બાબતને લઇને જેલના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. આ ઘટના રાતના ૧૧-૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી. ૪પ જેટલા કેદીઓના હુમલામાં જેલર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ હુમલાની વિગત એવી છે કે કોઇ નાના મુદ્દે ઝઘડો કરીને કેદીઓએ હુમલો કર્યો હતો અને ત્યાર બાદ જેલમાંથી ભાગવાની કોશિશ કરી હતી. આ હુમલામાં ડીવાયએસપી લોરેન્સ ડિસોઝા ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેદીઓએ અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ પર હુમલા કરીને જેલની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

અહેવાલો અનુસાર આ હુમલો પૂર્વયોજિત હતો. હુમલાખોર કેદીઓએ જેલમાંથી ફરાર થવાનો પ્લાન ઘડયો હતો અને આ પ્લાનના ભાગરૂપે તેમણે જેલના અધિકારીઓ અને સ્ટાફ સાથે ઇરાદાપૂર્વક ઝઘડો કરીને પૂર્વયોજિત હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જારી કરાયું છે.
http://sambhaavnews.com/

You might also like