ગોવાની હોટલમાં કૃષ્ણનગરના વિદ્યાર્થીનો રહસ્યમય અાપઘાત

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ગોવા ખાતે હોટલ મેનેજમેન્ટના અભ્યાસના ઇન્ટર્નશિપ માટે ગયેલા એક યુવકે ગોવાની હોટલમાં જ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ યુવક ગોવામાં જે હોટલમાં ઇન્ટર્નશિપ કરતો હતો તે હોટલના સ્ટાફના માનસિક-શારીરિક ત્રાસ તેમજ વડોદરાના કોઇ બે મિત્રો દ્વારા ડ્રગ્સનાં વેચાણ માટે દબાણ કરાતું હોઇ તેણે આ પગલું ભરી લીધું હતું. હાલમાં યુવકના મૃતદેહને તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

કૃષ્ણનગર એસઆરપી કવાટર્સ નજીક આવેલા હાઉસિંગના મકાનમાં કુલદીપ મનોજભાઇ રાઠોડ (ઉં.વ.ર૪) રહેતો હતો. તેના પિતા મનોજભાઇ અરવિંદ મિલમાં નોકરી કરે છે. કુલદીપે આણંદ ખાતેથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને ૧ ફેબ્રુઆરીના રોજ અન્ય નવ મિત્રો સાથે ગોવાની હોટલમાં ઇન્ટર્નશિપ કરતો હતો.

બે દિવસ પહેલાં કુલદીપ જે હોટલમાં રહેતો હતો તે હોટલના રૂમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તેના પરિવારજનોને જાણ કરાતાં તેઓ ગોવા દોડી ગયા હતા. તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જે હોટલમાં કુલદીપ ઇન્ટર્નશિપ કરતો હતો તે હોટલના સ્ટાફ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો. આ ઉપરાંત વડોદરાના બે મિત્રો હતા જે અન્ય જગ્યાએ કામ કરે છે. ગોવામાં તે મિત્રોએ ડ્રગ્સ વેચવા માટે દબાણ કરતા હતા. કુલદીપે ડ્રગ્સના વેચાણનાં દબાણ તથા માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

You might also like