વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધામાં ભારત ત્રણ અંક પાછળ ધકેલાયું

મુંબઇ: ભારત વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા ઇન્ડેક્સ-ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવનેસમાં ત્રણ અંક પાછળ ધકેલાઇ ૯૨મા ક્રમે આવી ગયું છે. જે તે દેશ કેવી રીતે પ્રતિભાઓનો વિકાસ કરે છે તથા તેઓને આકર્ષિત કરે છે તેના માપદંડને ધ્યાનમાં લઇને આંક આપવામાં આવે છે. બ્રિક્સ દેશો જેવા કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકામાં ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. ચીન આ યાદીમાં ૫૪મા ક્રમે છે, જ્યારે રશિયા ૫૬મા ક્રમે છે. યાદીમાં દક્ષિણ આફ્રિકા ૬૭, જ્યારે બ્રાઝિલ ૮૧મા સ્થાન પર છે.

વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા ઇન્ડેક્સમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ સિંગાપોર બીજા ક્રમે અને બ્રિટન ત્રીજા ક્રમે છે. આ અગાઉ પાછલા વર્ષે વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ ૮૯ પર હતો. યાદીમાં અમેરિકા ચોથા ક્રમે, સ્વિડન પાંચમા ક્રમે, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા ક્રમે આવ્યાં છે. યાદીને અડેકો ગ્રૂપ અને સિંગાપોરની હ્યુમન કેપિટલ લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like