હોમગાર્ડને આપો તમારા ઘરની સિક્યોરીટી, અને બિદાસ્ત ફરવા જાવ

અમદાવાદઃ દિવાળીના દિવસોમાં મોટાભાગના લોકો ઘર બંધ કરવી ફરવા જવાના પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે આવા જ સમયે ઘરફોડ ચોરી કરતા ચોર લૂંટારૂઓ માટે મહત્વની તક બની જાય છે. લોકો દિવાળીમાં બહારગામ ફરવા જતા હોવાની તકનો લાભ લઇને ચોર-લૂંટારુઓ સક્રિય થઇ જાય છે. જેને પગલે આ સમયગાળા દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો હદ પાર વધી જાય છે. ત્યારે નાગરીકોના ઘરની સુરક્ષાને લઇને શહેર પોલીસ દ્વારા અગમચેતીના ભાગ રૂપે ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ખાસ પ્રકારનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જે વ્યક્તિ વેકેશનમાં આ સમયગાળામાં બહાર ફરવા જાય તો તે આ ફોર્મ ભરીને આપે તો તેના ઘરની સિક્યોરીટીની જવાબદારી પોલીસના શીરે આવી જાશે. સ્થાનિકની ગેરહાજરીમાં તેના ઘરની બહાર હોમગાર્ડનો જવાન તેનાત કરવામાં આવશે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ વખતે પોલીસ દ્વારા સંખ્યાબંધ સોસાયટી અને રહેણાક વિસ્તારમાં આ રીતના અરજી ફોર્મ વહેચવામાં આવ્યાં છે. જેમાં અરજદારે પોતાનું નામ, પૂરૂ સરનામુ, મોબાઈલ નંબર, સગા સબંધીના મોબાઈલ નંબર, કઇ તારીખ થી કઇ તારીખ સુધી બહારગામ જવાના છે તેવી વિગત અને ઘર અથવા તો સોસાયટીના વોચમેનનું નામ અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. જ્યારે જે પણ વ્યકિત પોલીસ સ્ટેશનમાં આ ફોર્મ ભરીને આપશે તેમના ઘરની સુરક્ષા પોલીસ કેવી રીતે કરશે તે વિશે તે અંગેની માહિતી પોલીસ દ્વારા અરજદારને આપવામાં આવશે. જો નજીકના અંતરમાં અથવા તો એક જ સોસાયટીમાં 3 -4 મકાન બંધ હશે તો તે મકાનોની વચ્ચે 1 હોમગાર્ડના જવાનને રખેવાળી માટે તહેનાત કરવામાં આવશે.

You might also like