મારી એક્ટિંગ વધુ ફિલ્મો અપાવશેઃ સોનાલી રાઉત

મુંબઇઃ એક જમાનામાં સુપર મોડલ રહી ચૂકેલી ઉજજ્વલા રાઉતની નાની બહેન સોનાલી રાઉત પણ પોતાની બહેનનાં પદચિહ્નો પર ચાલી રહી છે. બોલ્ડનેસના ગુરુમંત્રની સાથે તે ખૂબ નામ ચર્ચાઓમાં છે. અભિનેતા રણવીરસિંહ સાથે તેનો એક હોટ ફોટો શૂટ પ્રસિદ્ધ થયો છે.

’બિગ બોસ-8’માં પણ તે ખૂબ ચર્ચામાં રહી હતી. ખૂબ જ ચર્ચાઓમાં રહેવા છતાં તેની કરિયરની ગતિ સુસ્ત છે. તે કહે છે કે હું એવું માનતી નથી. હું છેલ્લાં પાંચ-છ વર્ષથી સતત મોડલિંગમાં વ્યસ્ત છું. ‘બિગ બોસ-8’ના કારણે હું વધુ ચર્ચામાં આવી. મારી પહેલી ફિલ્મ ‘ધ એક્સપોઝે’ ઠીક ઠીક બિઝનેસ કર્યો, પરંતુ મને તેનો કોઇ ખાસ ફાયદો ન થયો. હવે હું ઇન્દ્રકુમારની ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ કરી રહી છું. આ ફિલ્મ પછી મને સારો એવો મોકો મળશે. હું આ ફિલ્મમાં બે ગીત ઉપરાંત મહત્ત્વના સીનમાં પણ છું. હું આખી ફિલ્મમાં જોવા મળીશ. તેથી હું ખૂબ ખુશ છું.
‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં કલાકારોની ભીડ વચ્ચે શું સોનાલીને નોટિસ કરાશે. આ વાતનો જવાબ આપતાં તે કહે છે કે આખી ફિલ્મ ત્રણ હીરો પર આધારિત છે. ફિલ્મમાં મારો એક અલગ રોલ હશે, જે ખૂબ બોલ્ડ છે. મારા મત મુજબ દર્શકો તેને જરૂર નોટિસ કરશે. મારા માટે તો આ ફિલ્મ બાદ આગળનો રસ્તો સરળ બની જશે તે ચોક્કસ છે.

તો શું સોનાલી બોલ્ડનેસના સહારે આગળ વધવા ઇચ્છે છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે સાવ એવું નથી, પરંતુ મારા માટે આવા પ્રકારની ફિલ્મો કરવી જરૂરી છે, નહીંતર મારા પગ અહીં જ સ્થિર થઇ જશે. હાલમાં મારી પાસે એક જ ફિલ્મ છે, પરંતુ ત્રણ-ચાર ફિલ્મો માટે વાત ચાલી રહી છે. હું જાણું છું કે આ ફિલ્મો મને મારી પાછલી ફિલ્મનો અભિનય જોઇને જ મળશે. હું વધુ મહેનત કરી રહી છું, જેથી મારો અભિનય મને વધુ ફિલ્મો અપાવી શકે.

You might also like