યુવતીઓને હોટ અને ગ્લેમરસ લુક આપે છે વનપીસ

ફેશનમાં અલગ લુક મેળવવા માટે તેનું નૉલેજ હોવું જરૂરી છે. કોઈ માટે સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનવા આપણે બધાથી હટકે ફેશન અપનાવી જોઈએ. બદલાતી ફેશનની સાથે અપડેટ રહેવું પડે છે. જેમ કે જિન્સ કે કેપ્રી પર ટી- શર્ટના બદલે હવે ક્રોપ ટોપ પહેરાય છે, શ્રગના બદલે શોર્ટ જેકેટ પહેરાય છે પણ એક ફેશન ક્યારેય બદલાતી નથી અને એ છે વનપીસની ફેશન.

જાણીતા લેખક ઓસ્કાર વાઈલ્ડે ફેશન વિશે લખ્યું છે “ફેશન એ એટલી કદરૂપી વસ્તુ છે કે તમારે દર છ મહિને એને બદલવી પડે. અત્યારનો ફેશન ટ્રેન્ડ જોવા જઈએ તો તે છ મહિનાની જગ્યાએ દર બે મહિને બદલાઈ જતી હોય છે. દર બે-ત્રણ મહિને માર્કેટમાં નવી ડિઝાઈન જોવા મળે છે. આ ફેશનમાં એક ફેશન એવી છે જે બિલકુલ બદલાઈ નથી પણ તેમાં દર વખતે અવનવી પેટર્ન જોવા મળતી હોય છે અને કોઈ પણ ઋતુમાં બેસ્ટ પાર્ટીવેર તરીકે ગણાય છે.

આપણે વાત કરી રહ્યાં છીએ વનપીસ ટોપ્સની જે વિવિધ મટીરિયલની સાથે બેસ્ટ ડિઝાઈનમાં જોવા મળે છે. નેટનાં વનપીસની ફેશન સાથે ફલોરલ વનપીસ ડ્રેસમાં વેસ્ટર્ન ડિઝાઇન અને ઇન્ડિયન સ્ટોનથી તૈયાર થાય છે. ગળાના ભાગે સ્ટોન લગાવવામાં આવે છે. હેવીવેઇટ વુમન પણ પહેરી શકે છે અને તેઓ સ્લીમ-ટ્રીમ દેખાઈ શકે છે. વેસ્ટર્ન ને ઈન્ડિયન કલ્ચરનો લુક આપતો આ ડ્રેસ ૨૦થી ૪૦ની ઉંમરની વુમનમાં ફેવરિટ છે.

વનપીસમાં રોયલ બ્લૂ, રેડ, યલો, બ્લેક ગ્રીન, પિંક સાથેના કેટલાંક એક્ઝોટિક કલર યુવતીઓને કંઈક નવું ફિલ કરાવે છે. રંગની સાથે ટેક્સટાઈલમાં પોલ્કા ડોટ્સ, ઝિગ્ઝૅગ, એનિમલ પ્રિન્ટનાં વનપીસ બેસ્ટ લુક આપે છે. વનપીસ શિફોન, પ્યોર જોર્જટ, સિલ્ક મટીરિયલમાંથી બને છે.

નાઈટ પાર્ટી, ગેટ ટુ ગેધર, કૉલેજ ફંક્શનમાં હોટ અને ગ્લેમરસ લુક આપતાં વનપીસ કૉલેજિયન ગર્લનાં આઉટફિટના લિસ્ટમાં પ્રથમ પસંદગીનું સ્થાન લઈ ચૂક્યા છે. બોલિવૂડથી લઈને હોલિવૂડની સેલિબ્રિટી દ્વારા પહેરવામાં આવતાં ડિઝાઈનર વનપીસ અત્યારની જનરેશનમાં હોટ ફેવરિટ બની ચૂક્યાં છે. વનપીસમાં સૌથી વધારે બ્લેક કલરની પસંદગી યુવતીઓ કરતી હોય છે. વનપીસનો સિમ્પલ ફંડા એ છે કે તેમાં વધારે એક્સેસરીઝ પહેરવાની જરૂર પડતી નથી.

ફેશન ડિઝાઈનર ધારા શાહ કહે છે કે, “વનપીસમાં કલર સાથે અવનવી ડિઝાઈન આસાનીથી મળી જતી હોય છે. બ્લેક અને રેડ સાથે ગોલ્ડન કલરનું કોમ્બિનેશન રિચ લુક આપે છે. સિમ્પલ ડ્રેસ, ઓપન હેર અથવા પોનીટેલ અને હિલ્સ પહેરો એટલે તમારં ડ્રેસિંગ કમ્પ્લીટ થઈ ગયું. તે ઉપરાંત તમે તેની સાથે મેચિંગ પર્સ, વૉલેટ, વોચ પહેરીને તમારી પર્સનાલિટીને વધારે ગ્રૂમ કરી શકો છો. વનપીસની સાથે તમે સિઝનને અનુરૂપ જૅકેટ, કોટ કે શ્રગ પણ પહેરી શકો છો.

કૉલેજમાં અભ્યાસ કરતી રાજવી દવે કહે છે, “વનપીસની ફેશન કોમન હોવા છતાં તેમાં દર વખતે નવો ટ્રેન્ડ જોવા મળે છે અને તે કોઈ પણ ફેમિલી ફંક્શન કે ટ્રિપ પર પણ કામ લાગી જતાં હોય છે. વનપીસની કિંમત રૂપિયા ૧૦૦૦ – ૨૫૦૦ હોય છે.

ધ્રુવી શાહ

You might also like