ગરવા ‌ગિરનારની ગોદમાં…

સૌરાષ્ટ્રની સોનલવર્ણી ધરણી નીલકંઠના મનને ગમી રહી રહી હતી. નીલકંઠે સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ કર્યું હતું, પરંતુ આ નીલકંઠને નિરાળી લાગતી હતી. ‘ભગવાન શ્રીકૃષ્ણે શા માટે આ ધરતીમાં ધામા નાખ્યા.’ એ એને સમજાઇ રહ્યું હતું.
અહીંના નેકિલા ટેકિલા માયાળુ માનવીઓ સાથે નીલકંઠને અનોખો નાતો બંધાઇ રહ્યો હતો. અહીંના માનવીઓ ભોળા અને અંધ શ્રદ્ધાળુ હતા અને એટલે જ ધાર્મિક શોષણનો શિકાર જઇ રહ્યા હતા. નીલકંઠ આ અંધ શ્રદ્ધાને સાચી શ્રદ્ધામાં ફેરવવા માગતા હતા.

શ્રદ્ધાને જો જ્ઞાન વિજ્ઞાનની પાંખો ફૂટે, તો એ શ્રદ્ધા ગગન વિહારી ગરુડ જેવી બની જાય છે. નીલકંઠ જોઇ રહ્યા હતા કે ચારે બાજુ વહેમ અને વ્યસનોનાં જાળાં બાઝ્યાં હતાં. નીલકંઠ સદાચાર અને સમજણના માધ્યમથી આ જાળાંઓને કાપી માનવીઓને મુક્ત અને સુખી કરવા માગતા હતા.

નીલકંઠના અંતરમાં પોતાના અવતારનો હેતુ સ્પષ્ટ થઇ ચૂક્યો હતો. એમણે નિર્ણય કર્યો કે ભાગવત ધર્મના મંડાણ આ પવિત્ર સંત, શૂરા અને સતીઓની ધરતીથી કરવા. નીલકંઠવર્ણીએ પોતાનું અલૌકિક ઐશ્વર્ય આજ સુધી લગભગ છુપાવી રાખ્યું હતું. તેઓ દેહનું ભાન ભૂલીને તીવ્ર તપ કરનાર તપસ્વી અને સદ્ગુરુની શોધમાં નીકળેલા ઉત્તમ મુમુક્ષુ રૂપે જ રહેતા હતા.

સૌરાષ્ટ્રની ધરતીમાં પ્રવેશ કર્યા પછી તેઓ ધીરે ધીરે પ્રસંગોપાત પોતાના ઐશ્વર્યને પ્રગટ કરી રહ્યા હતા અને આ ઐશ્વર્ય દર્શનમાં ભવિષ્યના ઊજળા સંકેતો સમાયા હતા. ભાલકા તીર્થથી નીકળી નીલકંઠ ભંડુરી, માળિયા, શેરગઢ થઇને સીમાશી પધાર્યા. સીમાશીથી ગીરના અડાબીડ જંગલોને વીંધતા વીંધતા નીલકંઠવર્ણી ગરવા ગિરિનારની ગોદમાં પધાર્યા. ગિરિવર ગિરનાર પૃથ્વી ઉપરનો પ્રાચીનતમ પર્વત છે. આ ગિરિરાજ હિમાલય કરતાં પણ પ્રાચીન છે, એટલે તો ગિરનારી મહાત્માઓ આ પર્વતને ‘સર્વ પર્વતોના દાદા’ એવા હુલામણા નામે પુકારે છે. પુરાણોમાં ગિરનાર રૈવતાચળ તરીકે પ્રસિદ્ધ છે.

ભગવાન શ્રીકૃષ્ણ, બળદેવજી, મહારાજ રૈવત, એમની પુત્રી રૈવતી, મહારાજ મુચકુંદ વગેરે અનેક મહાપુુરુષોની ગાથાઓ ગિરનાર સાથે જોડાયેલી છે. ગરવા ગિરનારની ટોચ ઉપર યોગેશ્વર ભગવાન દત્તાત્રેયનાં બેસણાં છે. આ ગરવો ગિરનાર સાંખ્ય શાસ્ત્રના પ્રવક્તા ભગવાન કપિલ નારાયણની સાધાના ભૂમિ રહ્યો છે. એટલે જ ગરવા ગિરનારને સાંખ્ય અને યોગની સંગમ ભૂમિ કહી શકાય.

આ ગરવો ગિરનાર અનેક ઐતિહાસિક ઊથલપાથલનો સાક્ષી પણ રહ્યો છે. નીલકંઠે નાનપણમાં આ ગરવા ગિરનારની ગૌરવ ગાથાઓ ખૂબ જ સાંભળી હતી. અયોધ્યાના મહાત્માઓ નીલકંઠને અવારનવાર કહેતા કે, ‘ગિરનાર કી છાયા મેં સિદ્ધ રહેતે હૈ.’ આ શબ્દો નીલકંઠના અંતરમાં અવારનવાર ગૂંજ્યા કરતા હતા. આવા જ કોઇ સિદ્ધની શોધમાં નીલકંઠ ગરવા ગિરનારની ગોદમાં પધાર્યા હતા, પરંતુ ઇશ્વરીય વિધાન કંઇક અલગ હતું. નીલકંઠ જે સિદ્ધને શોધતા હતા એ સિદ્ધ એમને ગિરનાર પર્વતની ગુફાઓમાં મળવાના ન હતા.

આકાશને આંબતા ગરવા ગિરનારની છાયા સૌરાષ્ટ્રની ધરતીને પોતાની ગોદમાં સમાવીને, પશ્ચિમ ભારતના હિંદ મહાસાગર સુધી ફેલાયેલી હતી.

નીલકંઠને જેેનો ખપ હતો એ સિદ્ધ પુરુષ તો સૌરાષ્ટ્રને સાગરકાંઠે વિહરી રહ્યા હતા અને નીલકંઠના આગમનની આગમવાણી ભાખતા ભાખતા રાહ જોઇ રહ્યા હતા. ગિરનારની છાયામાં રહેલા એક નાનકડાં ગામડાંમાં નીલકંઠવર્ણી અને એ સિદ્ધ પુરુષનું ઐતિહાસિક મિલન થવાનું હતું.
લે. શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી

You might also like