પરિણીત બોયફ્રેન્ડથી છુટકારો મેળવવા ગર્લફ્રેન્ડે રેલવેને ધમકીભર્યો પત્ર લખ્યો

મુંબઈ: પરીણિત બોયફ્રેન્ડના ત્રાસથી કંટાળીને પીછો છોડાવવા તેમજ તેને પાઠ ભણાવવા ગર્લફ્રેન્ડે દાદર બ્રિજ પર અારપીએફના જવાનને અાપેલી પત્રથી મુંબઈની જીઅારપી, લોકલ પોલીસ અને એપીએસ કામે લાગી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘ડોન ભાઈને અાદમી ભેજા હૈ, મુંબઈ અૌર પુણે મેં ધમાકા કરના હૈ – મુજ્જફર સાહા.’

અા શબ્દને પગલે ગઈ કાલ રાતથી એલર્ટની જાહેરાત કરવામાં અાવી. દરમિયાન ગણતરીના કલાકમાં ચિઠ્ઠી લખનાર દાદરની ૨૪ વર્ષીય યુવતીને પૂછપરછ માટે પણ બોલાવવામાં અાવી. બ્લાસ્ટના બનાવટી કોલ મુંબઈ પોલીસને મળતા હોય છે પરંતુ હાથોહાથ ચિઠ્ઠી મળવાની અા ઘટનાના પગલે ખળભળાટ મચી ગયો હતો.

શુક્રવારે સવારે ૯.૩૦ વાગે દાદર સ્ટેશનના બ્રિજ પર પેટ્રોલિંગ કરી રહેલા અારપીઅેફના બે જવાનને એક યુવતી પર્સ અાપીને જતી રહી. એમ જણાવીને દાદર જીઅારપીના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન બોબડેઅે કહ્યું કે અે સમયે અારપીએફના જવાને પર્સ ચેક કર્યું નહીં. થોડા સમય બાદ અારપીએફ અોફિસમાં અા પર્સ ચેક કરવામાં અાવ્યું તો તેમાંથી માત્ર એક ચિઠ્ઠી મળી.

અા ચિઠ્ઠીમાં મુંબઈ અને પુણેમાં બોમ્બ બ્લાસ્ટ બોલ્ડ અક્ષરમાં લખવામાં અાવ્યું હતું. તેમજ નીચે મુજફ્ફર સાહા નામ સાથે બ્લાસ્ટ સંબંધે તેનો કોન્ટેક્ટ કરવો તેવું જણાવાયું હતું. અા ચિઠ્ઠીમાં એક મોબાઈલ નંબર પણ હતો. અારપીએફના અધિકારીઅોઅે તપાસ માટે અા ચિઠ્ઠી સેન્ટ્રલ રેલવે પોલીસને અાપી. ત્યાંથી અા કેસ ભોઇવાડા પોલીસને ટ્રાન્સફર કરાયો. પર્સમાં એક ૧૦૦ રૂપિયાની નોટ પણ હતી. યુવતીઅે પર્સ અાપતી વખતે કહ્યું હતું કે બ્લૂ કલરનું અા પર્સ તેને પગથિયાં પાસેથી મળ્યું છે. પોલીસે તેને પોલીસ સ્ટેશન અાવવાનું કહ્યું ત્યારે તે ઉતાવળમાં હોવાનું કહી જતી રહી. અારપીએફના જવાનને પર્સ અાપનારી અા યુવતી કોણ હતી અે જાણવા જીઅારપીઅે દાદર રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા.

ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયેલા મુજફ્ફર સાહાના કોન્ટેક્ટ નંબર પરથી તેનો સંપર્ક કરાયો. તે પુણેમાં રહે છે તેથી પુણે અેટીએસઅે તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો. સીસીટીવીમાંથી લીધેલા યુવતીના ફોટા પુણે અેટીઅેસને મોકલવામાં અાવ્યા. ત્યારે અા યુવતી મુજફ્ફરની ગર્લફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું. અા યુવતી અને પુણેના પરીણિત મુજફ્ફર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતીને અા સંબંધમાંથી છુટકારો જોઈતો હતો. પરંતુ મુજફ્ફર તેને ત્રાસ અાપતો હોવાનું યુવતીના નિવેદનમાં જણાવાયું છે. તેને પાઠ ભણાવવા અને હંમેશ માટે તેનાથી છુટવા યુવતીઅે અા ચિઠ્ઠી લખી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું.

http://sambhaavnews.com/

You might also like