યુવતીઅે વોટ્સઅેપ પર મિત્રતા બાંધી બેન્ક ખાતામાંથી રૂ. ત્રણ લાખ ઉપાડી લીધા

અમદાવાદ: ઓનલાઇન મિત્રતાની વેબસાઇટ પરથી મિત્રતા કરી વોટ્સએપ નંબર મેળવી વિશ્વાસ કેળવી યુવતીએ બોપલમાં રહેતા અને એક કંપનીના રિજનલ ઓફિસરના બેન્ક આઇડી પાસવર્ડ ચોરી ટુકડે ટુકડે રૂ.૩.૧૦ લાખ ઉપાડી લીધા હોવાની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જોકે બેન્કમાં બે ખાતાં બ્લોક કરાવ્યાં હોવાં છતાં બેન્કની બેદરકારીના કારણ પણ પૈસા ઉપડી ગયા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. બોપલ પોલીસે હાલ આ અંગે તપાસ હાથ  ધરી છે.

બોપલ વિસ્તારમાં આદિત્ય હોમ્સમાં રહેતા અને પ્રહલાદનગર ખાતે એક કંપનીમાં રિજનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિહાર પૂજારા (ઉં.વ.૩૧)ના મેઇલ પર દિવ્યાકુમારી નામનો મેઇલ આવ્યો હતો. જેમાં આપેલી વેબસાઇટ ખોલતાં તેઓની પ્રોફાઇલ બની ગઇ હતી. બાદમાં દિવ્યાકુમારીની પ્રોફાઇલ સાથે કોન્ટેકટમાં આવતાં તેઓને વોટસએપ પર વાતચીત થઇ હતી.

યુવતી પોતે અમદાવાદમાં એમબીબીએસનો અભ્યાસ પૂરો થવા આવ્યો છે અને જોબ શોધું છું તેમ જણાવી બેન્ક એકાઉન્ટમાં બે વખત રૂ.૧૦૦ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું કે જે ટ્રાન્ઝેકશન કર્યા બાદ કોઇ પણ રીતે યુવતીએ વિહારના બેન્ક એકાઉન્ટ અને આઇડી પાસવર્ડ વગેરે ચોરી ટુકડે ટુકડે રૂ.ર.રર લાખ વારાણસીની બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસાનું ટ્રાન્ઝેકશન થતાં તેઓએ તેમના બે એકાઉન્ટ બ્લોક કરાવી દીધા હતા. આમ છતાં ફરી તેઓના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા.બેન્ક ખાતાં ફ્રીઝ કરાવ્યા છતાં ટ્રાન્ઝેકશન થતાં બેન્કની બેદરકારીથી પૈસા ગયા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો. આ અંગે તેઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

You might also like