સુરેશભાઈ છે કે કેમ? જોવાનું કહી યુવતી કાર લઈ ફરાર

અમદાવાદ: શહેરના નિર્ણયનગર વિસ્તારમાં ગત રાત્રે એક યુવતી તેની ધંધાકીય મહિલા મિત્રને એક ટી સ્ટોલ પર સુરેશભાઇ છે કે કેમ? તેવું પૂછવાનું જણાવી તેમની કાર લઇ ફરાર થઇ ગઇ હતી. કારમાં રૂ.૩પ,૦૦૦, બે મોબાઇલ પણ હતા. મહિલાએ આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના ડુંગરી ખાતે આવેલા મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં જયશ્રીબહેન દીપકભાઇ રહે છે. અંજલી શર્મા નામની યુવતી સાથે જયશ્રીબહેનની મિત્રતા થઇ હતી. કોઇ ધંધાકીય વાતનો વિશ્વાસ કેળવી અંજલી જયશ્રીબહેનને અમદાવાદ લાવી હતી. ગત રાત્રે તેઓ અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ઉમિયા હોલ પાસે આવેલા ચામુંડા ટી સ્ટોલ પાસે અલ્ટો કાર લઇને આવ્યા હતા. કારમાં રૂ.૩પ,૦૦૦, બે મોબાઇલ ફોન પણ હતા.

અંજલીએ જયશ્રીબહેનને દુકાનમાં જઇ સુરેશભાઇ છે કે કેમ? તેવું પૂછીને આવો તેમ જણાવ્યું હતું, જેથી જયશ્રીબહેન દુકાને પૂછવા ગયાં હતાં. દરમ્યાનમાં અંજલી કાર લઇને ફરાર થઇ ગઇ હતી. જયશ્રીબહેને આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં ઘાટલોડિયા પોલીસ દોડી આવી હતી. ઘાટલોડિયા પોલીસે જયશ્રીબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધી યુવતીની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like