નારોલમાં યુવાનની ઘાતકી હત્યા ગળું કાપીને છરીના ઘા ઝીંક્યા!

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બિહારી યુવકની ગળું કાપેલી હાલતમાં લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ છે. હત્યા કરીને હિચકારું કૃત્ય આચરનાર હત્યારાઓએ બિહારી યુવકનું ગળું કાપ્યા બાદ શરીર પર દસ કરતાં વધુ છરીના ધા ઝીંકી દીધા હતા. દાણીલીમડા પોલીસે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જૂની અદાવતને લીધે યુવકની હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી છે.
નારોલ વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ પાસે સિલાઇ કામ કરતો અને મૂળ બિહારના મહંમદ જાવેદ સલીમ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીને જણાવ્યું છે કે મહંમદ જાવેદ અને ફારુક ઉર્ફે ગુડ્ડુ બંને સગાભાઇ છે, જે છેલ્લા ઘણા સમયથી બિહારથી નોકરી કરવા માટે અમદાવાદ આવ્યા હતા. તારીખ 20 ના રોજ મોડી રાતે નારોલ ખુલ્લા ખેતરમાં ફારુક ઉર્ફે ગુડ્ડુને કેટલાક અજાણ્યા શખ્સોએ ગળું કાપી અને શરીર પર 10 કરતાં વધુ છરીને ધા ઝીંકી હત્યા કરી હતી.

વહેલી સવારે કોઈએ લોહીથી લથપથ હાલતમાં લાશ જોઇને પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ઘટનાની ગંભીરતા લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત દાણીલીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં મૃતક યુવક ફારુક ઉર્ફે ગુડ્ડુ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં ફારુકની હત્યા જૂની અદાવતમાં કરાઇ હોવાનું જાણવામાં મળ્યું છે. ઉલ્લેખનીય છે કે તારીખ 20ની મોડી રાતે વાસણા વિસ્તારના ગુપ્તાનગર ખાતે આવેલી કાઠિયાવાડીની ચાલીમાં રહેતા ડુંગર ઉર્ફે ડુંગો થાનાજી મીણાની ભાડે ચલાવવા આપેલી રિક્ષાનું ભાડું સમયસર નહીં ચૂકવતાં કરપીણ હત્યા કરી દેવાઇ હતી તેમજ તે અરસામાં નારોલ વિસ્તારમાં ફારુકની હત્યા કરવામાં આવી હતી. અગાઉ પણ નારોલ વિસ્તારમાં આવેલાં ખુલ્લાં ખેતરોમાં હત્યાના અનેક બનાવ બન્યા છે.

http://sambhaavnews.com/

You might also like