ફ્લેટમાં યુવતીની હત્યા બાદ લાશને કોથળામાં પેક કરી દીધી

અમદાવાદ: શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા એવન્યૂ ફ્લેટના એક મકાનમાંથી યુવતીની વિકૃત લાશ કંતાનના કોથળામાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ત્રણ દિવસ પહેલાં હત્યા કરાયેલી યુવતીની લાશની દુર્ગંધ ફ્લેટમાં ફેલાતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માં બહુ દુર્ગંધ મારે છે તેવો ફોન ગઇ કાલે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં સ્થાનિક રહીશે કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે ફલેટનું તાળું તોડી તપાસ કરતાં એક યુવતીની વિકૃત લાશ કંતાનના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલાં પ્રેમલગ્ન કરીને રણ‌િજતસિંહ ઝાલા અને તેની પત્ની માયા ૩૮ નંબરના ફલેટમાં ભાડેથી રહેવા માટે આવ્યાં હતાં. ફ્લેટના અન્ય રહીશોના કહેવા મુજબ ચાર દિવસ પહેલાં રણજિત અને માયા મકાનને તાળું મારીને બહાર ગયા હતા તે સમયે કોઇ અજાણ્યો યુવક રણ‌િજતના ફ્લેટમાં આવતો હતો. દરમિયાનમાં પોલીસ તપાસ કરી રહી હતી તે જ વખતે માયા ત્યાં આવી હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.સંગાડાએ જણાવ્યું છે કે માયાની પૂછપરછમાં તેણે ત્રણ-ચાર યુવકોનાં નામ આપ્યાં છે. ત્રણ દિવસ પહેલાં રણ‌િજતે ફ્લેટની ચાવી મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર રહેતા રીતેશ પંચાલ નામના યુવકને આપી હતી. હાલ રણ‌િજત, રીતેશ સહિત અન્ય શકમંદ યુવકો ફરાર છે ત્યારે મકાન મા‌િલકનો પણ કોઇ અતોપતો નથી. પોલીસની પ્રાથ‌િમક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી સાથે મોજમજા કરવા માટે રણ‌િજતે તેના મિત્રને ચાવી આપી હોઇ શકે છે.

યુવતીને બેભાન કરીને તેની હત્યા કરાઇ હોવાની શંકા છે. જોકે હત્યા કેવી રીતે કરી તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડશે. પોલીસની માનવું છે કે આ હત્યા પાછળ એક કરતાં વધુ વ્યકિતઓની સંડોવણી હોઇ શકે છે. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી જ્યાં તેમણે પાણીની બોટલ, કોલડ્રિંકસની બોટલ અને ચાદર કબજે કરી હતી. ‌િફંગર‌િપ્રન્ટ એક્સ્પર્ટની ટીમે પણ ઘટનાસ્થળેથી ફિગર‌િપ્રન્ટના નિશાન લીધા છે. યુવતીની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.
યુવતીની હત્યા ત્રણેક દિવસ પહેલાં થઇ હોવાનું પોલીસ માની રહી છે. હત્યારા યુવકે યુવતીની કરપીણ હત્યા કરીને લાશને કોથળામાં પેક કરી હતી. લાશ સગેવગે નહીં કરી શકાતાં ફલેટમાં જ મૂકી દીધી હતી.

જી-ડીવીઝનના એસીપી જે.એન. પરમારે જણાવ્યું છે કે યુવતીની હત્યા કેસમાં માયાના પતિની સંડોવણી સામે આવે તેવી શકયતાઓ છે. ગઇકાલે વહેલી સવારે માયાનો પતિ તેમજ તેના મિત્ર લાશને સગેવગે કરવા માટે ફલેટમાં સ્પ્રેની બોટલો લઇ આવ્યા હતા. સૌ પ્રથમ ફલેટમાં સ્પ્રે છાટી દુર્ગંધ દૂર કરવાની કોશીષ કરી હતી. જોકે ગંધ દૂર ન થતાં તેઓ ભાગી ગયા હતાં.
http://sambhaavnews.com/

You might also like