ઓનલાઇન ડેટિંગ પડ્યું ભારે, ભેટમાં મળ્યું મોત

રાજસ્થાનના જયપુરમાં રહેનારા દુષ્યંત શર્માને ક્યારેય એ વાતનો અંદાજો પણ નહીં હોય કે ઑનલાઇન ડેટિંગ અને ચેટિંગ એપ તેના મોતનું કારણ બની શકે. ડેટિંગ એપ ‘ટિન્ડર’ પર ખુદને કરોડપતિ બતાવનાર દુષ્યંતનો મૃતદેહ 3મેના રોજ દિલ્હી હાઈવે પર એક સૂટકેસમાંથી મળી આવ્યો. કહેવામા આવી રહ્યું છે કે તે છોકરીએ જ દુષ્યંતની હત્યા કરી છે, જેની સાથે રિલેશનમાં હતો.

ઝોટવારા પોલીસ અનુસાર, આરોપી પ્રિયા શેઠ જ આ હાઈ પ્રોફાઇલ હત્યા અને બ્લેકમેઇલિંગ રેકેટ પાછળની માસ્ટરમાઇન્ડ છે. તે દુષ્યંતને પણ પોતાની જાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવવા માગતી હતી. 2018માં એક અન્ય બિઝનેસમેનને ધમકાવવાના આરોપસર ધરપકડ થયેલી પ્રિયા હાલ જામીન પર બહાર હતી પરંતુ આ ઘટના સામે આવતાની સાથે જ તેની ધરપકડ કરી લેવામા આવી છે. પ્રિયાની સાથે તેના બૉયફ્રેન્ડ દીક્ષાંત કામરા અને એક અન્ય શખ્સ લક્ષ્ય વાલિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

રૂપિયા મળ્યા પછી પણ લઇ લીધો જીવ:
પોલીસ અનુસાર, પ્રિયાએ પહેલા દુષ્યંત શર્માને એક ફ્લેટમાં બંધક બનાવી દીધો હતો અને તેના પિતા પાસેથી 3 લાખની ખંડણી વસૂલ્યા બાદ દુષ્યંતની હત્યા કરી મૂકી હતી. ઝોટવારાના એસએચઓ ગુરુ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, ”ખંડણીની રકમ મળી ગઇ હોવા છતાં પ્રિયાએ દુષ્યંતને જીવતો ન છોડ્યો, હત્યા પહેલાં દુષ્યંતને માર મારી વાયર સાથે બાંધી દીધો હતો. જ્યારે પ્રિયાએ દુષ્યંત પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા ત્યારે દુષ્યંતે પોતે કરોડપતિ ન હોવાનો ખુલાસો કર્યો. પ્રિયાએ દુષ્યંતના ડૉક્યુમેન્ટ્સ ચેક કર્યાં તો માલુમ પડ્યું કે એના બેંક અકાઉન્ટમાં પણ અમુક હજાર રૂપિયા જ હતા.”

ગુરુવારે સવારે 10 વાગે પ્રિયાએ દુષ્યંતના પતિા રાજેશ્વરને ફોન કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી પરંતુ ત્યારે દુષ્યંતના પિતાએ માત્ર 3 લાખ રૂપિયા જ આપી શકે તેમ જણાવ્યું હતું. દુષ્યંતના અકાઉન્ટમાં જેવા રૂપિયા ટ્રાન્સફર થયા કે ત્રણેય આોપીઓને પોલીસ સુધી મામલો પહોંચી જશે તેવો ડર લાગ્યો.

ગભરાયેલા આરોપીઓએ ચાકુના ઘા મારી દુષ્યંતની હત્યા કરી હતી. બાદમાં દુષ્યંતના અકાઉન્ટમાંથી 20000 રૂપિયા ઉપાડી પ્રિયાએ એક મોટી સૂટકેસ ખરીદી હતી. આ સૂટકેસમાં જ દુષ્યંતનો મૃતદેહ રાખીને તેને ફેંકી આવ્યા હતા.

You might also like